20 October, 2025 09:58 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
દિગ્ગજ અભિનેતા અસરાનીના કેટલાક આયકોનીક રોલ આજે પણ લોકો વચ્ચે પ્રખ્યાત છે.
બૉલિવુડ તેમ જ ગુજરાતી ફિલ્મ જગતના દિગ્ગજ કલાકાર, ડિરેક્ટર અને પીઢ અભિનેતા ગોવર્ધન અસરાની, જેઓ ફિલ્મોમાં ‘અસરાની` તરીકે જાણીતા હતા, તેમનું ૮૪ વર્ષની વયે મુંબઈમાં અવસાન થયું હોવાના દુઃખદ સમાચાર મળી રહ્યા છે. સોમવારે બપોરે મુંબઈની એક હૉસ્પિટલમાં તેમનું અવસાન થયું, જ્યાં તેમને ફેફસાં સંબંધિત ગૂંચવણો માટે દાખલ કરવામાં આવ્યા હતા. અસરાની છેલ્લા ઘણા સમયથી બીમાર હોવાના પણ અહેવાલ હતા અને છેલ્લા પાંચ દિવસથી ફેફસાંની ગંભીર સમસ્યાઓ સાથે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર તેમનું અવસાન સોમવારે સાંજે ૪ વાગ્યે થયું હતું.
૧ જાન્યુઆરી ૧૯૪૧ના રોજ જયપુરમાં જન્મેલા, અસરાનીએ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો અને બાદમાં રાજસ્થાન કૉલેજમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી. તેમણે ૧૯૬૭માં ફિલ્મ ‘હરે કાંચ કી ચૂડિયાં’થી બૉલિવૂડમાં પ્રવેશ કર્યો, અને ભારતીય સિનેમામાં સૌથી પ્રિય કલકારોમાંના એક બન્યા, ખાસ કરીને તેમના કૉમેડી રોલ અને કૉમિલ ટાયમિંગ બધા જ દર્શકો માટે યાદગાર બની ગયા હતા. તેમના અંતિમ સંસ્કાર આજે જ સાંતાક્રુઝ વેસ્ટના શાસ્ત્રીનગર સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા. તેમના મેનેજરના જણાવ્યા અનુસાર, અંતિમ સંસ્કારમાં ફક્ત નજીકના પરિવાર અને મિત્રો જ હાજર રહ્યા હતા. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે દિગ્ગજ અભિનેતાએ અગાઉ તેમની પત્ની મંજુને કહ્યું હતું કે તેઓ મોટી સભા ઇચ્છતા નથી અને શાંતિપૂર્ણ વિદાયની ઇચ્છા રાખે છે.
અસરાનીની ફિલ્મ કારકિર્દી વિશે
દાયકાઓ સુધી ચાલેલી કારકિર્દી દરમિયાન, અસરાનીએ સેંકડો ફિલ્મોમાં મુખ્ય ભૂમિકાઓથી લઈને સહાયક અને હાસ્ય કલાકારો સુધી વિવિધ ભૂમિકાઓ ભજવી છે અન તેને યાદગાર પણ બનાવી છે. બૉલિવુડમાં તેમના યોગદાનથી તેમને દર્શકોના હૃદયમાં સ્થાન મળ્યું અને ફિલ્મ ઉદ્યોગના ઇતિહાસમાં એક ખાસ સ્થાન મળ્યું. દેશભરના ચાહકો અને મિત્રો તરફથી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. તેમના નિધનના સમાચારે દિવાળીના ઉત્સવના વાતાવરણ પર પડછાયો પાડ્યો છે. મનોરંજન ઉદ્યોગ અને બૉલિવુડ પ્રેમીઓમાં ઘણા લોકો તેમને ઘર-ઘરમાં જાણીતી બનાવનાર અનેક ભૂમિકાઓના સન્માન અને યાદોના સંદેશા શૅરકરી રહ્યા છે.
અભિનેતાની ફિલ્મો અને તેમના યાદગાર રોલ વિશે
અસરાની આયકોનીક ફિલ્મો વિશે વાત કરીએ તો તેમાં ધમાલ, ખટ્ટા મીઠા, શોલે અને ભૂલ ભુલૈયા જેવી અનેક ફિલ્મો સામેલ છે. આ સાથે તેમના ફિલ્મ શોલેના ‘અંગ્રેજો કે ઝમાને કે જેલર’ અને ધમાલના ‘પપ્પાજી’નો રોલ અને તેના ડાયલોગ્સ આજે પણ લોકો વચ્ચે ખૂબ જ પ્રખ્યાત છે. તેઓ છેલ્લે 2023 માં બૉલિવૂડ ફિલ્મોમાં `નોન સ્ટોપ ધમાલ` અને `ડ્રીમ ગર્લ 2` માં જોવા મળ્યા હતા. તેમણે છેલ્લી વખત વેબ સિરીઝ ધ ટ્રાયલ 2 (2025) માં પણ અભિનય કર્યો હતો. આ સાથે તેઓ અક્ષય કુમાર, પરેશ રાવલ, રાજપાલ યાદવ સાથે આગામી ફિલ્મ `ભૂત બંગલા`માં પણ જોવા મળવાના હતા એવી ચર્ચા હતી.