18 November, 2026 12:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રદ્ધા કપૂર
શ્રદ્ધા કપૂરની ચોથી ડિસેમ્બરે રિલીઝ થનારી આગામી ફિલ્મ ‘ઈઠા’નું પહેલું ગીત ‘જી જી રે જી’ રિલીઝ થઈ ગયું છે. આ ગીતમાં શ્રદ્ધા લાવણી કરતી જોવા મળે છે. પરંપરાગત મરાઠી પોશાક, નથ, ઘરેણાં અને ઘૂંઘરુ સાથે શ્રદ્ધાએ ડાન્સ દ્વારા લોકનૃત્યની સુંદરતાને પડદા પર ઉતારવાનો પ્રયાસ કર્યો છે. ‘જી જી રે જી’માં શ્રદ્ધા નવવારી સાડી અને પરંપરાગત ઘરેણાંમાં જોવા મળી રહી છે. ગીતમાં તેના ડાન્સ-મૂવ્સની સાથે ચહેરાના હાવભાવ અને લાવણીની ખાસ અદાઓ પણ જોવા મળે છે અને ફૅન્સને આ ગીતમાં શ્રદ્ધાનો અંદાજ બહુ પસંદ પડ્યો છે.
ફિલ્મનો આ ટ્રૅક ફિલ્મની વાર્તાના એક મહત્ત્વના પડાવની ઝલક પણ આપે છે. ગીતને નૅશનલ અવૉર્ડ વિજેતા સંગીતકાર જોડી અજય-અતુલે કમ્પોઝ અને પ્રોડ્યુસ કર્યું છે. શ્રેયા ઘોષાલે એને પોતાનો અવાજ આપ્યો છે જ્યારે ગીતના શબ્દો અમિતાભ ભટ્ટાચાર્યએ લખ્યા છે. આ લાવણીની કોરિયોગ્રાફી વૈભવી મર્ચન્ટે કરી છે. સંગીત, ગાયકી અને ડાન્સનું આ કોમ્બિનેશન ફૅન્સને પસંદ પડી રહ્યું છે.