23 May, 2026 12:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાકેશ બેદી મફત ભોજન અને ડ્રિન્ક માટે જાવેદ અખ્તરના ઘરે ધામા નાખતો હતો
રાકેશ બેદી હાલમાં આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર’ના તેના અભિનયને કારણે ચર્ચામાં છે. હાલમાં ફારાહ ખાન તેના વ્લૉગ માટે રસોઈયા દિલીપ સાથે રાકેશના ઘરે ગઈ હતી જ્યાં બન્નેએ પોતાના સંઘર્ષના દિવસોની યાદો તાજી કરી હતી.
આ મુલાકાત દરમ્યાન ફારાહે વાતવાતમાં રાકેશ બેદીને જૂનો મિત્ર ગણાવતાં કહ્યું હતું કે અમે લાંબા સમય પછી મળ્યાં છીએ. ફારાહે પોતાના યુવાન દિવસોની યાદોને શૅર કરતાં જણાવ્યું હતું કે ‘હું જ્યારે માત્ર ૧૫ વર્ષની હતી ત્યારે રાકેશ લગભગ ૨૫ વર્ષનો હતો અને ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયામાં અભ્યાસ કરતો હતો. એ સમયે રાકેશ અને તેના મિત્રો દરરોજ જાવેદ અખ્તર અને હની ઈરાનીના ઘરે જઈને મફત જમવાનું અને ડ્રિન્કનો આનંદ માણતા હતા અને ત્યાં જ અમારી મુલાકાત થઈ હતી. રાકેશ પોતાના મિત્રો ફારુખ શેખ, સતીશ શાહ, નીના ગુપ્તા અને સુપ્રિયા પાઠક સાથે આવતો હતો અને આ મિત્રતા ઘણાં વર્ષોથી ચાલી આવી છે.’