15 June, 2026 11:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફરહાન અખ્તરની ફાઇલ તસવીર
‘ભાગ મિલ્ખા ભાગ’ જેવી ફિલ્મમાં ઍક્ટિંગ કરીને સારી એવી લોકપ્રિયતા મેળવનાર ફિલ્મમેકર ફરહાન અખ્તર હવે વધુ એક પડકારજનક ભૂમિકાની તૈયારીમાં છે. રિપોર્ટ પ્રમાણે તે દિવંગત સંગીતકાર આર.ડી. બર્મનની બાયોપિકમાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે.
મળતી માહિતી પ્રમાણે ફિલ્મમેકર નીરજ પાંડે છેલ્લા કેટલાક સમયથી આર.ડી. બર્મનના જીવન પર આધારિત બાયોપિક વિકસાવી રહ્યા છે. ફિલ્મનું લેખનકાર્ય ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે અને નિર્માતાઓ આ પ્રોજેક્ટને વિશેષ સ્તરે રજૂ કરવાની તૈયારીમાં છે. હાલમાં ફરહાન અખ્તર આ ફિલ્મમાં પંચમદાની ભૂમિકા ભજવવા માટે લગભગ કન્ફર્મ છે. જો બધું આયોજન મુજબ આગળ વધશે તો તેને આ પાત્ર માટે વિશેષ તૈયારી કરવી પડશે જેથી તે મહાન સંગીતકારના વ્યક્તિત્વ અને જીવનયાત્રાને વિશ્વસનીય રીતે પડદા પર રજૂ કરી શકે.
ફિલ્મના નિર્માતાઓએ આર.ડી. બર્મનના અનેક લોકપ્રિય અને યાદગાર ગીતોના અધિકારો મેળવવામાં પણ સફળતા મેળવી છે. આ ગીતો ફિલ્મની વાર્તામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને દર્શકોને પંચમદાની સંગીતમય સફરની અનુભૂતિ કરાવશે. હાલમાં ફિલ્મ સ્ક્રિપ્ટિંગ અને પ્રી-પ્રોડક્શન તબક્કામાં છે. નિર્માતાઓનો પ્રયાસ છે કે ફિલ્મનું આ વર્ષના અંત સુધીમાં શૂટિંગ કરી શકાય.