27 October, 2025 09:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફિલ્મ ‘120 બહાદુર’
ફરહાન અખ્તરની આગામી ફિલ્મ ‘120 બહાદુર’ રિલીઝ પહેલાં જ વિવાદમાં ઘેરાઈ ગઈ છે. આ ફિલ્મના નામને લઈને આહીર સમાજનાં વિરોધ-પ્રદર્શન થઈ રહ્યાં છે. હકીકતમાં આહીર સમાજના લોકો ફિલ્મનું નામ બદલીને ‘120 વીર આહીર’ કરવાની માગણી કરી રહ્યા છે. આ ડિમાન્ડને સમર્થન આપવા માટે ગુરુગ્રામમાં આહીર સમુદાયના લોકોએ એક પગપાળા રૅલી કાઢી હતી જેને કારણે નૅશનલ હાઇવે 48 પર અનેક કિલોમીટર લાંબો ટ્રાફિક જૅમ થયો હતો અને જયપુરથી આવતાં વાહનો કલાકો સુધી અટવાઈ ગયાં હતાં.
ફરહાનની આ ફિલ્મ ‘120 બહાદુર’ ૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધમાં રેઝાંગલાની ઐતિહાસિક લડાઈ પર આધારિત છે જેમાં ૧૩ કુમાઉ રેજિમેન્ટના ૧૧૪ આહીર સૈનિકોએ અદમ્ય સાહસનું પ્રદર્શન કર્યું હતું. આ બહાદુરોને ‘વીર આહીર’ની ઉપાધિ આપવામાં આવી છે. આહીર સમાજનો આરોપ છે કે ફિલ્મનું ટાઇટલ ‘120 બહાદુર’ એ શહીદોનું અપમાન છે અને ફિલ્મનું ટાઇટલ ‘120 વીર આહીર’ કરવામાં આવે.