હવે ફિલ્મને ઝડપથી મળી શકશે સેન્સર બોર્ડનું સર્ટિફિકેટ

16 February, 2026 12:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દરેક ફિલ્મને જાહેર પ્રદર્શનમાં મૂકતાં પહેલાં CBFCનું સર્ટિફિકેટ મેળવવું ફરજિયાત હોય છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

ફિલ્મનિર્માતાઓ માટે સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) તરફથી ખુશખબર આવી છે. હવે ફિલ્મોને સર્ટિફિકેટ મેળવવામાં ઓછો સમય લાગશે. હવે નવા નિયમ અંતર્ગત સર્ટિફિકેટ માટેની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે અને સમયમર્યાદા પણ ઘટાડવામાં આવી છે. નવા નિયમો મુજબ હવે ફીચર ફિલ્મને માત્ર ૧૮ વર્કિંગ ડેમાં સેન્સર બોર્ડનું સર્ટિફિકેટ મળી શકશે, જ્યારે શૉર્ટ ફિલ્મોને ફક્ત ૩ વર્કિંગ ડેમાં પ્રમાણપત્ર આપવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

હકીકતમાં સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન દ્વારા સર્ટિફિકેટ આપવા માટે નિર્ધારિત સમયમર્યાદા ૪૮ વર્કિંગ ડેની હતી. આ પ્રક્રિયાને આધુનિક બનાવવા અને ઉદ્યોગની કાર્યક્ષમતાથી જોડાયેલી ચિંતાઓ દૂર કરવા માટે સરકારે e-Cinepramaan પોર્ટલ મારફત સંપૂર્ણ ડિજિટલ ઑનલાઇન સર્ટિફિકેશન સિસ્ટમ અમલમાં મૂકી છે. આ સિસ્ટમે પારદર્શિતામાં નોંધપાત્ર સુધારો કર્યો છે અને સમયમર્યાદા ઘટાડવામાં મદદ કરી છે. આના કારણે સર્ટિફિકેશન મેળવવા માટે ફીચર ફિલ્મ માટે ૧૮ વર્કિંગ ડે અને શૉર્ટ ફિલ્મ માટે ૩ વર્કિંગ ડે જેટલો જ સમય લાગશે.

હકીકતમાં દરેક ફિલ્મને જાહેર પ્રદર્શનમાં મૂકતાં પહેલાં CBFCનું સર્ટિફિકેટ મેળવવું ફરજિયાત હોય છે. હવે આ વિશે નવા નિયમો અમલમાં આવતાં ફિલ્મનિર્માતાઓને મોટી રાહત મળી છે અને સંપૂર્ણ પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બની છે.  

central board of film certification cbfc entertainment news bollywood bollywood news