19 November, 2025 06:32 AM IST | Hyderabad | Gujarati Mid-day Correspondent
ફિલ્મમેકર અને ડિરેક્ટર એસ. એસ. રાજામૌલી
‘બાહુબલી’ અને ‘RRR’ જેવી સુપરહિટ અને બ્લૉકબસ્ટર ફિલ્મો આપનારા પ્રસિદ્ધ ફિલ્મમેકર અને ડિરેક્ટર એસ. એસ. રાજામૌલીએ તેમની અપકમિંગ ફિલ્મ ‘વારાણસી’ની લૉન્ચ-ઇવેન્ટમાં ટેક્નિકલ પ્રૉબ્લેમ માટે ભગવાન હનુમાનજીને દોષી ઠેરવ્યા હોવાનો આરોપ લગાડ્યો હતો. આને કારણે તેમની ઘણી ટીકા થઈ હતી અને હવે આ બાબતને લઈને તેમની વિરુદ્ધ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે રાજામૌલીએ હિન્દુ ધર્મ અને એના દેવતાઓનું અપમાન કર્યું છે. વાનરસેના અને ગૌરક્ષકના પ્રમુખે તેમની ટિપ્પણીઓથી રોષે ભરાઈને એક પત્ર લખ્યો હતો. તેમણે ફરિયાદમાં લખ્યું હતું કે રાજામૌલીએ જાણીજોઈને હિન્દુ દેવતાઓનું અપમાન કર્યું છે.
શું છે વિવાદ?
૧૫ નવેમ્બરે હૈદરાબાદમાં એસ. એસ. રાજામૌલીની ‘વારાણસી’ની ટ્રેલર-લૉન્ચ ઇવેન્ટ શરૂ થવામાં ટેક્નિકલ પ્રૉબ્લેમને લીધે મોડું થયું હતું ત્યારે તેમણે કહ્યું હતું કે ‘આ મારા માટે ભાવુક ક્ષણ છે. હું ભગવાનમાં વિશ્વાસ નથી કરતો, પણ મારા પપ્પા આવ્યા અને મને કહ્યું કે ભગવાન હનુમાન બધું સંભાળી લેશે. શું તેઓ બધું સંભાળે છે એવું વિચારીને મને ગુસ્સો આવે છે. જ્યારે મારા પપ્પાએ હનુમાનજી વિશે વાત કરી અને સફળતા માટે તેમના આશીર્વાદ પર નિર્ભર રહેવાનું સૂચન કર્યું ત્યારે મને બહુ ગુસ્સો આવ્યો હતો.’
આ કમેન્ટને લીધે લોકોએ રાજામૌલીની ઑનલાઇન ઘણી ટીકા કરી હતી, કારણ કે આ કમેન્ટમાં ટેક્નિકલ પ્રૉબ્લેમને તેમણે ભગવાન હનુમાન સાથે જોડીને પોતાની વાત રજૂ કરી હતી.