13 September, 2025 08:18 AM IST | Bareli | Gujarati Mid-day Correspondent
દિશા પાટની
હિન્દી ફિલ્મ-અભિનેત્રી દિશા પાટનીના બરેલીના સિવિલ લાઇન્સ વિસ્તારમાં આવેલા ઘર પર ગઈ કાલે સાંજે ફાયરિંગ થયું હતું. બાઇક પર આવેલા બે અજાણ્યા યુવકો ચાર-પાંચ બુલેટ તેમના ઘરના મુખ્ય દરવાજા અને બહારની દીવાલો પર ફાયર કરીને નાસી ગયા હતા. સદ્ભાગ્યે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નહોતી. અત્યારે એ ઘરમાં ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસના પદેથી નિવૃત્ત થયેલા દિશાના પિતા જગદીશ પાટની રહે છે. સ્થાનિક પોલીસને આ ઘટનાની જાણ કરતાં તેમને સુરક્ષા પ્રોવાઇડ કરવામાં આવી છે અને ફાયરિંગ બાબતે કેસ નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે.
દરમ્યાન આ ફાયરિંગની જવાબદારી ગૅન્ગસ્ટર રોહિત ગોદારા અને ગોલ્ડી બ્રાર ગૅન્ગે લીધી છે. તેમણે ફેસબુક પર પોસ્ટ કરતાં લખ્યું છે કે ‘દિશાની બહેન ખુશ્બૂ પાટનીએ પ્રેમાનંદજી મહારાજ અને અનિરુદ્ધ આચાર્યજી મહારાજનુ અપમાન કર્યું છે. અમારા સનાતન ધર્મને ઓછો આંકવાનો પ્રયાસ કર્યો છે. અમે અમારાં દેવી-દેવતાઓનું અપમાન સહન નહીં કરીએ. આ તો ફક્ત ટ્રેલર હતું, હવે પછી જો આ લોકો કે બીજા કોઈ અમારા ધર્મ વિરુદ્ધ કોઈ પણ ખુલ્લામાં બોલશે તો તેમના ઘરના કોઈને જીવતા નહીં છોડીએ.’