13 March, 2026 01:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પૈચાન કૌન?
ગઈ કાલે જાણીતાં સિંગર શ્રેયા ઘોષાલની ૪૧મી વર્ષગાંઠ હતી. કોટા નજીકના નાના ગામની શ્રેયા ઘોષાલે હિન્દી સિનેમામાં પોતાની અમિટ છાપ છોડી છે. તેને સૌથી પહેલાં સંગીત રિયલિટી શો ‘સારેગામાપા’ના મંચ પર લોકપ્રિયતા મળી હતી અને એ સમયે તેની વય માત્ર ૧૨ વર્ષની હતી. શ્રેયાનાં મમ્મી ખૂબ સરસ ગાતાં હતાં એટલે તેઓ પોતાની દીકરીને સંગીતની તાલીમ અપાવવા ઇચ્છતાં હતાં. પરિણામે માત્ર ૬ વર્ષની નાની ઉંમરે જ શ્રેયાએ સંગીત શીખવાનું શરૂ કર્યું હતું. આ પછી તેણે સ્વર્ગસ્થ કલ્યાણજીભાઈ અને મુક્તા ભિડે પાસેથી પણ સંગીતની તાલીમ લીધી હતી. પ્રસિદ્ધ દિગ્દર્શક સંજય લીલા ભણસાલીએ ટીવી પર એક કાર્યક્રમમાં શ્રેયાને ગાતાં સાંભળીને તેને પોતાની ફિલ્મ ‘દેવદાસ’ માટે પસંદ કરી અને ‘બૈરી પિયા’ ગીત ગવડાવ્યું. શ્રેયાએ જ્યારે આ ગીત ગાયું ત્યારે તેની ઉંમર માત્ર લગભગ ૧૫ વર્ષ હતી. શ્રેયાનું પહેલું ગીત જ તેના જીવન માટે ટર્નિંગ પૉઇન્ટ બન્યું. ‘બૈરી પિયા’ ગીત માટે તેને રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો.