25 January, 2026 12:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગીતા ગાંધબીર
ઑસ્કર અવૉર્ડ્સ 2026નાં નૉમિનેશન્સમાંથી ઈશાન ખટ્ટર અને વિશાલ જેઠવાની ફિલ્મ ‘હોમબાઉન્ડ’નો ભલે કાંકરો નીકળી ગયો હોય પણ ભારતીય મૂળની ડિરેક્ટર ગીતા ગાંધબીરે પોતાના નામે બે નૉમિનેશન્સ મેળવીને દેશનું નામ રોશન કર્યું છે. તેને પહેલું નૉમિનેશન ડૉક્યુમેન્ટરી ફીચર-ફિલ્મ ‘ધ પર્ફેક્ટ નેબર’નું ડિરેક્શન કરવા બદલ મળ્યું છે, જ્યારે બીજું નૉમિનેશન ડૉક્યુમેન્ટરી શૉર્ટ ફિલ્મ ‘ધ ડેવિલ ઇઝ બિઝી’ માટે ક્રિસ્ટલિન હૅમ્પટન સાથે કો-ડિરેક્ટર તરીકે મળ્યું છે.
પંચાવન વર્ષની ગીતા ગાંધબીર ભારતીય મૂળની છે તથા એક જાણીતી ફિલ્મમેકર છે અને ઑસ્કર માટે નૉમિનેટ થઈ છે. તેણે પોતાની કરીઅરની શરૂઆત એડિટિંગથી કરી હતી. ગીતા ગાંધબીરના પરિવારની વાત કરીએ તો તેની માતાનું નામ લલિતા અને પિતાનું નામ શરદ છે જેઓ કેમિકલ એન્જિનિયરિંગના અભ્યાસ માટે ભારતથી અમેરિકા ગયા હતા. ગીતા બૉસ્ટનમાં મોટી થઈ છે અને તેણે હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે.
ઑસ્કર નૉમિનેશન મેળવનારી ફિલ્મોની વાર્તા વિશે વાત કરીએ તો ‘ધ પર્ફેક્ટ નેબર’ ૩૫ વર્ષની એક મહિલાની મર્ડર-મિસ્ટરીની આસપાસ ફરતી ડૉક્યુમેન્ટરી છે જે હાલમાં નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે, જ્યારે ‘ધ ડેવિલ ઇઝ બિઝી’ HBOની એક ઓરિજિનલ ડૉક્યુમેન્ટરી શૉર્ટ ફિલ્મ છે જેમાં મેડિકલ સ્ટાફના જીવન અને તેઓ રોજિંદા જીવનમાં કેટલું મોટું જોખમ ઉઠાવે છે એ દર્શાવવામાં આવ્યું છે.