30 January, 2026 09:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જેનેલિયા ડિસોઝા
જેનેલિયા ડિસોઝાનો જન્મ નૉન-વેજિટેરિયન પરિવારમાં થયો હતો. જોકે એ પછી જેનેલિયા પહેલાં શાકાહારી બની અને અત્યારે વીગન એટલે કે કોઈ પણ પ્રાણીજન્ય ઉત્પાદનોનો ઉપયોગ ન કરતી વ્યક્તિ. હાલમાં એક પૉડકાસ્ટમાં જેનેલિયાએ નૉન-વેજિટેરિયન વ્યક્તિમાંથી વીગન બનવાની પોતાની સફર જણાવી.
જેનેલિયાએ વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે ‘મારો ઉછેર નૉન-વેજિટેરિયન પરિવારમાં થયો હતો અને મને શાકાહારી ખોરાક વિશે બહુ ઓછું જ્ઞાન હતું. મારા માટે શાકાહારી ભોજનનો અર્થ માત્ર વટાણા, બટાટા અને પનીર જ હતો. જોકે મેં જ્યારે ધીમે-ધીમે મીટ ખાવાનું ઓછું કર્યું ત્યારે મને શાકાહારી ભોજનની નવી દુનિયા જોવા મળી અને ભોજન પછી શરીર વધુ હળવું લાગતું હતું. હું પ્રાણીપ્રેમી છું પણ મને પહેલાં મીટ ભાવતું. વીગન બનતાં-બનતાં મને સમજાયું કે આ બધું અનેક બાબતો સાથે જોડાયેલું છે. જ્યારે હું મમ્મી બની ત્યારે મને લાગ્યું કે કોઈ પણ જીવને દુઃખ પહોંચાડવું યોગ્ય નથી.’
વાતચીત દરમ્યાન જેનેલિયાએ જણાવ્યું કે ૨૦૨૦માં કોરોનાકાળ દરમ્યાન તે સંપૂર્ણ વીગન બની અને આ નિર્ણયમાં તેના પતિ રિતેશ દેશમુખની પણ મોટી ભૂમિકા હતી. પોતાના આ અનુભવ વિશે જેનેલિયા કહે છે કે રિતેશે ૨૦૧૬માં જ મીટ છોડ્યું હતું અને લૉકડાઉન દરમ્યાન અમે બન્નેએ તમામ પ્રાણીજન્ય પદાર્થ છોડવાનો નિર્ણય કર્યો હતો.