21 October, 2025 07:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગોવર્ધન અસરાની
હિન્દી ફિલ્મોમાં કૉમેડિયન, કૅરૅક્ટર આર્ટિસ્ટ અને ગુજરાતી ફિલ્મોના હીરો તથા પોતાના અભિનયથી લોકોના મન પર અમિટ છાપ છોડનારા આલા દરજ્જાના અભિનેતા અસરાનીનું ગઈ કાલે સાંજે ૪ વાગ્યે નિધન થયું હતું. તેઓ ૮૪ વર્ષના હતા. છેલ્લા થોડા સમયથી તેઓ શ્વસનતંત્રની બીમારીથી પીડાતા હતા. તેમના પરિવારમાં પત્ની મંજુ અને દીકરા નવીનનો સમાવેશ છે. તેમણે પત્નીને કહી રાખ્યું હતું કે મારા નિધનની જાણ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં કોઈને કરવી નહીં, હું શાંતિથી આ દુનિયાને અલવિદા કરવા માગું છું. એટલે ઇન્ડસ્ટ્રીમાં કોઈને જાણ ન કરતાં તેમના અંતિમ સંસ્કાર ગઈ કાલે જ કરી દેવામાં આવ્યા હતા.
૧૯૪૧ની ૧ જાન્યુઆરીએ જયપુરમાં જન્મેલા અસરાનીનું મૂળ નામ ગોવર્ધન અસરાની હતું, પણ ફિલ્મોમાં અસરાની તરીકે જ ઓળખાયા. પાંચ દાયકા સુધીની લાંબી ઇનિંગ્સમાં તેમણે અનેક યાદગાર ભૂમિકા ભજવી હતી જેમાં મુખ્યત્વે ‘શોલે’ ફિલ્મમાં ભજવેલી જેલરની ભૂમિકાને લોકો આજે પણ યાદ કરે છે. તેમની શરૂઆતની ફિલ્મોમાં ‘ગુડ્ડી’, ‘અભિમાન’ અને ‘મેરે અપને’નો સમાવેશ છે. તેમણે કૉમેડિયન તરીકે પોતાની એક અલગ છાપ ઊભી કરી હતી. એ પછી તેમણે કેટલીક ચરિત્ર ભૂમિકાઓ પણ ભજવી હતી. ગુજરાતી ફિલ્મ ‘મા-બાપ’માં તેઓ હીરો તરીકે ચમક્યા હતા અને એ સુપરહિટ હતી.