18 July, 2026 04:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ કોઈ રૂપા-વૂપાની વાત કરવાની જગ્યા નથી
હાલમાં ગોવિંદાએ પોતાની કમબૅક ફિલ્મ ‘રૂપા’ની જાહેરાત કરી હતી. તેણે પ્રેસ-કૉન્ફરન્સ કરીને ફિલ્મ વિશે માહિતી આપી હતી અને ફિલ્મની અભિનેત્રી રાની સ્વર્ણકારનો પણ પરિચય કરાવ્યો હતો. જોકે ગુરુવારે જ્યારે ગોવિંદાની પત્ની સુનીતા આહુજાને એક કાર્યક્રમમાં આ ફિલ્મ વિશે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેણે એ વિશે વાત કરવાની સ્પષ્ટ ના પાડી દીધી.
સુનીતાને જ્યારે ગોવિંદાની કમબૅક ફિલ્મ વિશે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું હતું કે ‘અહીં કોઈ રૂપા-વૂપા વિશે વાત કરવાની જગ્યા નથી. તમે લોકો માત્ર મારી અને મારા પુત્ર યશવર્ધનની આવનારી ફિલ્મ વિશે જ વાત કરો. એકતા કપૂર અમારી નિર્માતા છે. તેણે આ ફિલ્મ પર ઘણો ખર્ચ કર્યો છે. દરેક જગ્યાએ માત્ર યશવર્ધન અને સુનીતા વિશે જ વાત કરો. બીજા કોઈ વિશે મને કંઈ કહેવું નથી.’
ગોવિંદાએ પોતાની ફિલ્મની જાહેરાત માટે કરેલી પ્રેસ-કૉન્ફરન્સમાં દીકરા યશવર્ધનનાં વખાણ કરતાં કહ્યું હતું કે તે મારા કરતાં પણ વધુ પ્રતિભાશાળી છે અને ભવિષ્યમાં ખૂબ આગળ જશે. આ વિશે સુનીતાએ કમેન્ટ કરતાં કહ્યું હતું કે ‘તે મારો દીકરો છે અને ખૂબ જ પ્રતિભાશાળી છે. તે ખૂબ સંસ્કારી છે. મેં તેને મોટો કર્યો છે અને તેનું કામ પણ જોયું છે. તે ૧૦૦ ટકા ખૂબ આગળ જશે. તમે લોકો તેના પર પ્રેમ જાળવી રાખજો.’