મારાં બાળકોની કરીઅરમાં તેમના પિતાનો કોઈ રોલ નથી

23 May, 2025 06:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગોવિંદાની પત્ની સુનીતાએ ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે દરેકનો કોઈ ને કોઈ ગૉડફાધર હોય છે પણ મારાં સંતાનો સેલ્ફ-મેડ છે

ગોવિંદાનો દીકરો યશવર્ધન અને દીકરી ટીના

ગોવિંદા હાલમાં ફિલ્મોથી દૂર છે પરંતુ તેની દીકરી ટીના આહુજા અને દીકરો યશવર્ધન આહુજા બૉલીવુડમાં પોતાનું નામ બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે. ગોવિંદાની પત્ની સુનીતા આહુજાએ હાલમાં એક ઇન્ટરવ્યુમાં તેમનાં બાળકોના સંઘર્ષ અને તેમની કરીઅરમાં ગોવિંદાની ભૂમિકા વિશે ખૂલીને વાત કરી હતી.  

ગોવિંદાનો દીકરો યશવર્ધન ટૂંક સમયમાં નૅશનલ અવૉર્ડ વિજેતા દિગ્દર્શક સાઈ રાજેશની ફિલ્મથી બૉલીવુડમાં ડેબ્યુ કરવાનો છે. એ ફિલ્મનું શૂટિંગ નજીકના ભવિષ્યમાં શરૂ થશે. જોકે આ તક મેળવવા માટે યશવર્ધને ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે. સુનીતાએ પોતાના ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે યશવર્ધને આ ફિલ્મ પોતાના દમ પર મેળવી છે અને ગોવિંદાએ  દીકરાની કરીઅરમાં કોઈ મદદ નથી કરી.  

સુનીતાએ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘મારાં બાળકો સેલ્ફ-મેડ છે. દરેકનો કોઈ ને કોઈ ગૉડફાધર હોય છે, પરંતુ મારાં બાળકોના કેસમાં એવું નથી. તેમની પાસે માત્ર ફાધર છે. મારા દીકરાએ ૮૪ ઑડિશન આપ્યાં. ગોવિંદાનો દીકરો હોવા છતાં તેને આટલાં ઑડિશન આપવાની જરૂર નહોતી, છતાં તેણે આ સંઘર્ષ વેઠ્યો છે. ગોવિંદાએ પોતાનાં બાળકોની કરીઅરમાં મદદ નથી કરી, કારણ કે તેમની પોતાની વિચારસરણી અલગ છે. ગોવિંદા ક્યારેય પોતાનાં બાળકો માટે કોઈને ફોન કરતા નથી. તેમના વિચાર અલગ છે.’

ગોવિંદાની દીકરી ટીના આહુજાએ ૨૦૧૫માં ફિલ્મ ‘સેકન્ડ હૅન્ડ હસબન્ડ’થી બૉલીવુડમાં ડેબ્યુ કર્યું હતું, પરંતુ એ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર નિષ્ફળ ગઈ અને ટીના બૉલીવુડમાં પોતાનું સ્થાન બનાવી ન શકી. એ પછી તે કેટલાક મ્યુઝિક-વિડિયોમાં જોવા મળી હતી, પરંતુ હાલમાં તેની પાસે કોઈ મોટો ફિલ્મ-પ્રોજેક્ટ નથી. સુનીતાએ જણાવ્યું કે ટીના હાલમાં પોતાની શરતે કામ કરી રહી છે અને પંજાબમાં એક ટૉક-શો હોસ્ટ કરી રહી છે.  

સુનીતાએ બૉલીવુડમાં પ્રવર્તી રહેલા નેપોટિઝમ પર પણ નિશાન તાકતાં કહ્યું કે ‘ટીના કામ કરવા માગે છે, પરંતુ ઇન્ડસ્ટ્રીએ તેને હંમેશાં અવગણી છે. જો ટીનાને સારા પ્રોજેક્ટ્સ મળે તો તે ચોક્કસ લેશે. નેપોટિઝમ પર લગામ તાણવાની જરૂર છે.’

govinda tina ahuja entertainment news bollywood bollywood news