01 July, 2026 12:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગોવિંદા અને પત્ની સુનીતા આહુજા
નેટફ્લિક્સના રિયલિટી શો ‘લૉક-અપ’ની બીજી સીઝનમાં ગોવિંદાની પત્ની સુનીતા આહુજાનો એક એવો અંદાજ જોવા મળી રહ્યો છે જેને જોઈને ફૅન્સ પણ ચોંકી ગયા છે. તેનો એક વિડિયો હાલમાં સોશ્યલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે જેમાં તે ગુસ્સામાં અપશબ્દો બોલતી જોવા મળે છે તેમ જ તેની દારૂ પીવાની આદતનું ટ્રોલિંગ કરતા લોકો સામે આક્રોશ વ્યક્ત કરતી જોવા મળે છે.
વાઇરલ થયેલા આ વિડિયોમાં સુનીતા આહુજા પોતાના ટ્રોલર્સને ઝાટકતાં કહે છે કે ‘જેને જે બોલવું હોય તે બોલે, મને કોઈ ફરક પડતો નથી. હું કોઈના માટે જરા પણ બદલાવાની નથી. મારી સાથે કોઈ ખરાબ વર્તન કરવાની કોશિશ કરીને તો જુએ. લોકો કહે છે કે હું દારૂ પીઉં છું, પાર્ટી કરું છું. શું હું તમારા બાપના પૈસાથી દારૂ પીઉં છું? તમારા બાપના ઘરમાં પાર્ટી કરું છું? હું મારા પોતાના ઘરમાં પાર્ટી કરું છું. હું એક બૉટલ પીઉં કે દસ બૉટલ... એ તમારા બાપની છે શું?’