મારા વિશે ફેક ન્યુઝ આપશો તો ૧૦૦ કરોડ રૂપિયાનો ક્લેમ કરીશ

25 August, 2026 05:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગોવિંદાએ ખોટા સમાચાર અને AI કન્ટેન્ટ સામે લીગલ નોટિસ ફટકારીને આપી આ ચેતવણી

ગોવિંદા

ગોવિંદાએ પોતાની પર્સનલ લાઇફને લઈને ફેલાવવામાં આવી રહેલા ખોટા સમાચાર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)થી બનાવવામાં આવતા કન્ટેન્ટ સામે લીગલ નોટિસ જાહેર કરી છે. નોટિસમાં કાયદેસરની કાર્યવાહી કરવાની સાથે ૧૦૦ કરોડ રૂપિયા સુધીના વળતરના ક્લેમની ચેતવણી આપવામાં આવી છે. આ નોટિસ ગોવિંદાની પત્ની સુનીતા આહુજા અને ઍક્ટ્રેસ રાખી સાવંત વચ્ચે ગોવિંદાનાં બીજાં લગ્ન વિશે થયેલી વાતચીતનો વિડિયો વાઇરલ થયા પછી આવી છે.
મળતી માહિતી પ્રમાણે ગોવિંદાએ પોતાની પર્સનલ અને ફૅમિલી લાઇફને લગતા ખોટા તથા વેરિફિકેશન વગરના સમાચારો સામે ચેતવણી આપી છે. તેણે કહ્યું છે કે આવા મામલામાં કાયદાની સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે અને ૧૦૦ કરોડ રૂપિયા સુધીના વળતરની માગણી કરી શકાય છે.
નોટિસમાં લોકો, મીડિયા ઑર્ગેનાઇઝેશન, ડિજિટલ પ્લૅટફૉર્મ અને કન્ટેન્ટ ક્રીએટર્સને એવું કન્ટેન્ટ બનાવવા, પ્રકાશિત કરવા, અપલોડ કરવા, પ્રસારિત કરવા અથવા શૅર કરવા સામે ચેતવણી આપવામાં આવી છે જે ખોટું, બદનક્ષીભર્યું, ખોટા ઇરાદાથી બનાવાયેલું, ઉપજાવી કાઢેલું અથવા વેરિફાઇ કર્યા વગરનું હોય.
આ નોટિસમાં AIનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા ફોટો, વિડિયો, ઑડિયો રેકૉર્ડિંગ, મૉર્ફ્ડ ઇમેજ, ડીપફેક અને અન્ય સિન્થેટિક કન્ટેન્ટના પ્રસારને લઈને ચેતવણી આપવામાં આવી છે. એમાં કહેવામાં આવ્યું છે કે ગોવિંદાના અવાજ, ફોટો, ઓળખ, સમાનતા અથવા તેમની પર્સનલ તથા ફૅમિલી લાઇફ સાથે જોડાયેલી બાબતોને AI અથવા અન્ય ડિજિટલ ટેક્નૉલૉજી દ્વારા બનાવવા, એમાં ફેરફાર કરવા કે એનો ઉપયોગ કરવાની કોઈ મંજૂરી આપવામાં આવી નથી.
નોટિસમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે આ મામલે જવાબદાર ઠરનારા લોકો સામે ગોવિંદા બૅન્ક અકાઉન્ટ, પ્રૉપર્ટીની ખરીદી અથવા વેચાણ પર રોક, પાસપોર્ટ જપ્ત કરવા સહિતના અન્ય કાયદાકીય ઉપાયો માટે કોર્ટના આદેશની માગણી કરી શકે છે.

govinda ai artificial intelligence entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood