21 April, 2025 07:00 AM IST | Srinagar | Gujarati Mid-day Correspondent
ઇમરાન ખાનની આગામી ફિલ્મ છે ‘ગ્રાઉન્ડ ઝીરો’
ઇમરાન ખાનની આગામી ફિલ્મ છે ‘ગ્રાઉન્ડ ઝીરો’. આ ફિલ્મમાં ૨૦૦૦ના વર્ષની આસપાસ બનેલી કાશ્મીરની સાચી ઘટનાને આવરી લેવામાં આવી છે. આ ફિલ્મમાં બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ (BSF)ના જવાનોની વીરતાની સ્ટોરી કહેવામાં આવી છે. આ ફિલ્મમાં ઇમરાન હાશ્મી BSF કમાન્ડન્ટ નરેન્દ્રનાથ ધર દુબેનો અને સઈ તામ્હણકર તેની પત્નીનો રોલ ભજવી રહી છે.
‘ગ્રાઉન્ડ ઝીરો’ ૨૫ એપ્રિલે રિલીઝ થશે ત્યારે ૧૮ એપ્રિલે શ્રીનગરમાં BSFના જવાનો માટે આ ફિલ્મના સ્પેશ્યલ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્ક્રીનિંગ વધારે મહત્ત્વનું છે, કારણ કે ૩૮ વર્ષ પછી પહેલી વખત કોઈ બૉલીવુડ ફિલ્મનું પ્રીમિયર કાશ્મીરમાં યોજાયું હતું. આ પ્રીમિયરમાં જવાનોએ ફિલ્મના કલાકાર-કસબીઓ સાથે મળીને આ ફિલ્મ જોઈ અને એ સમયે ઇમોશનલ વાતાવરણ સર્જાયું હતું.
બૉલીવુડમાં કોઈ બીજાની સફળતાથી ખુશ નથી થતું : ઇમરાન હાશ્મી
ઇમરાન હાશ્મી હાલમાં તેની ફિલ્મ ‘ગ્રાઉન્ડ ઝીરો’ને લીધે ચર્ચામાં છે ત્યારે તેણે એક ઇન્ટરવ્યુમાં બૉલીવુડમાં છવાઈ ગયેલી નેગેટિવિટી વિશે વાત કરી છે. ઇમરાને આ ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે ‘બૉલીવુડમાં સપોર્ટ અને એકતા જેવું કાંઈ જ નથી. અહીં લોકો એકબીજાને નીચે પાડવાનો પ્રયાસ કરે છે અને મેં એનો અનુભવ કરી લીધો છે. અહીં બીજાની સફળતાને ખાસ મહત્ત્વ આપવામાં આવતું નથી અને બીજાની સફળતાથી કોઈ ખુશ નથી થતું.’