24 January, 2026 12:45 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
૯૧ વર્ષની વયે ગુલઝાર લખશે બાળફિલ્મનાં ગીતો, ફિલ્મનો વિષય હૃદયસ્પર્શી છે
જાણીતા ગીતકાર, ફિલ્મકાર અને કવિ ગુલઝાર ૯૧ વર્ષની વયે બાળકો માટેની ફિલ્મ ‘મસાબ ટાંક’ માટે ફરી એક વાર ગીતો લખવા તૈયાર છે. તેઓ ભૂતકાળમાં ‘માસૂમ’ ફિલ્મના ‘લકડી કી કાઠી’ તેમ જ ‘ધ જંગલ બુક’ના ‘જંગલ જંગલ બાત ચલી હૈ’ જેવાં લોકપ્રિય બાળગીતો લખી ચૂક્યા છે. ‘મસાબ ટાંક’નાં ગીતો લખવાના પોતાના નિર્ણય વિશે વાત કરતાં ગુલઝારે કહ્યું હતું કે ‘બાળકો માટે લખવું માત્ર ઇચ્છા કે મહત્ત્વાકાંક્ષા નથી, એક ફરજ છે. લેખકો દ્વારા આ વિષયને હંમેશાં બહુ હળવાશથી લેવામાં આવ્યો છે. મસાબ ટાંક હૈદરાબાદનો એક વિસ્તાર છે જ્યાં બાળકોનું મેદાન છીનવીને ઇમારતો ઊભી કરી દેવાઈ છે. આ ફિલ્મ એના પર જ આધારિત છે. ફિલ્મમેકર મેકા રાવનો આ પ્રોજેક્ટ મારા દિલને સ્પર્શી ગયો. હું બાળકો માટે લખતો રહીશ, જ્યાં સુધી હું એટલો મોટો ન બની જાઉં કે ફરી એક વાર બાળક બની શકું.’