HBD અરમાન મલિકઃ વિશાલ-શેખરે આપ્યો હતો પ્રથમ બ્રેક, આમ બન્યો સુપર સિંગર

22 July, 2021 06:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગાયકના જન્મ દિવસે જાણીએ તેના જીવનની કેટલીક ખાસ વાતો

અરમાન મલિકની ફાઈલ તસવીર

છોકરીઓના મોસ્ટ ફેવરિટ અને યુવાનોના મનગમતા ગાયક અરમાન મલિક (Armaan Malik)ને કોઈ ઓળખાણની જરુર નથી. અરમાન મલિકનો જન્મ ૨૨ જુલાઈ ૧૯૯૫ના રોજ મુંબઈમાં થયો હતો. આજે તેનો ૨૬મો જન્મદિવસ છે. ત્યારે જાણીએ તેના જીવનની કેટલીક ખાસ વાતો.

અરમાન મલિકના પરિવારનો સંગીત સાથે જુનો સંબંધ છે. તે હિન્દી સિનેમાના પ્રખ્યાત સંગીતકાર સરદાર મલિકનો પૌત્ર અને અનુ મલિકનો ભત્રીજો છે. તેના પિતાનું નામ ડબ્બુ મલિક છે. અરમાન મલિકે ચાર વર્ષની ઉંમરે ભારતીય શાસ્ત્રીય સંગીતની તાલીમ લેવાનું શરૂ કર્યું હતું. અરમાને મલિકે નવ વર્ષની ઉંમરમાં `સા રે ગા મા પા લિલ ચેમ્પ્સ`ની પ્રથમ સિઝનમાં ભાગ લીધો હતો. આ શોમાં તે ટૉપ સાત સુધી પહોંચ્યા બાદ બહાર થઈ ગયો હતો.

એવું કહેવામાં આવે છે કે, અરમાનનો રડવાનો અવાજ સાંભળીને માતા-પિતા સમજી ગયા હતા કે તે એક મહાન ગાયક બનશે. અરમાન મલિકે આઠ વર્ષની વયે ગાવાનું શરૂ કર્યું હતું. આજે તે જાણીતો ગાયક છે. તેણે પાર્લાની જમનાબાઈ નરસી સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. તેણે બર્કલી કોલેજ ઓફ મ્યુઝિક બોસ્ટનથી સંગીતનો અભ્યાસ કર્યો હતો. સ્કુલમાં જ્યારે અરમાન ભણતો હતો ત્યારે તેની પરીક્ષા ચાલતી હતી. એ સમયે એકવાર ટીચર ક્લાસમાં દોડતા-દોડતા આવ્યા અને કહ્યું કે, તારી મમ્મી બહાર રાહ જોઈ રહી છે. એક્ઝામ હૉલમાંથી અરમાન બહાર આવ્યો ત્યારે તેને ખબર પડી કે વિશાલ-શેખરની જોડી તેની પાસેથી ગીત રેકૉર્ડ કરાવવા માંગે છે. આ ગીત અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘ભૂતનાથ’ માટે રેકૉર્ડ કરવામાં આવ્યું હતું. ચાઈલ્ડ સિંગર તરીકે આ અરમાન મલિકનું પહેલું ગીત હતું. પછી બૉલિવૂડમાં તેણે પહેલું ગીત સલમાન ખાન માટે ગાયું હતું. એડલ્ટ સિંગર તરીકે અરમાન મલિકનું પહેલું ગીત ‘તુમકો તો આના હી થા’ હતું.

અરમાન મલિકને ‘મૈં રહૂં યા ન રહૂં’ ગીતથી એક અલગ ઓળખ મળી હતી. આ ગીત કોઈ ફિલ્મનું નહોતું. આ ગીતને તેના ભાઈ અમાલ મલિકે કમ્પોઝ કર્યું હતું. અરમાને નવ વર્ષની ઉઇમરથી ગીત ગાવાનું શરુ કર્યું હતું. તેણે તેલુગૂ, કન્નડ, બંગાળી, ગુજરાતી, મરાઠી અને અંગ્રેજી ભાષામાં ગીત ગાયા છે. તેણે અનુ મલિક અને જૂહી પરમાર સાથે લિટિટ સ્ટાર અંતાક્ષરી પણ હોસ્ટ કરી છે.

નાની ઉંમરમાં અરમાન મલિકે અનેક ફિલ્મોમાં હીટ ગીતો આપ્યા છે. તે સિવાય અત્યાર સુધીમાં ૧૦૦-૨૦૦ કર્મશ્યિલ જાહેરાતોમાં પણ પોતાનો અવાજ આપ્યો છે. તેમજ લંડનના વેમ્બલી થિયેટરમાં લાઇવ પર્ફોમન્સ આપનાર તે બૉલિવૂડનો સૌથી યુવા પ્લેબેક સિંગર પણ છે.

entertainment news bollywood bollywood news bollywood gossips happy birthday armaan malik