19 January, 2025 11:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આર. માધવન
છેલ્લા કેટલાક દિવસથી સમાચાર આવી રહ્યા છે કે આનંદ એલ. રાય ‘તનુ વેડ્સ મનુ 3’ બનાવી રહ્યા છે અને એ માટે આર. માધવનનો સંપર્ક કરવામાં આવ્યો છે. આર. માધવન આ ફિલ્મના પહેલા અને બીજા ભાગમાં હતો. જોકે હવે આર. માધવને પોતે સ્પષ્ટતા કરી છે કે ‘તનુ વેડ્સ મનુ 3’ માટે મારો સંપર્ક નથી કરવામાં આવ્યો. આ સ્પષ્ટતાની સાથે જ આર. માધવને હિન્ટ આપી છે કે કદાચ મને ‘તનુ વેડ્સ મનુ 3’માંથી રિપ્લેસ કરવામાં આવ્યો હશે.
હાલમાં આર. માધવન પોતાની નવી ફિલ્મ ‘હિસાબ બરાબર’ માટે ચર્ચામાં છે. આ ફિલ્મ OTT પ્લૅટફૉર્મ ઝીફાઇવ પર રિલીઝ થશે. આ ફિલ્મ વિશે ઇન્ટરવ્યુ આપતી વખતે જ્યારે આર. માધવનને પૂછવામાં આવ્યું કે શું ‘તનુ વેડ્સ મનુ 3’માં તારી સાથે કંગના ટ્રિપલ રોલમાં હશે? એનો જવાબ આપતાં આર. માધવને કહ્યું કે મને આ વિશે વાત કરવાનું ગમત, પણ હકીકતમાં મને એ વિશે કોઈ જાણ નથી.
‘તનુ વેડ્સ મનુ 3’ વિશે વાત કરતાં આર. માધવને જણાવ્યું છે કે ‘તનુ વેડ્સ મનુ 3’ વિશે ઇન્સ્ટાગ્રામમાં ચર્ચા ચાલી રહી છે. મીડિયા અને લોકો મને સવાલ કરી રહ્યા છે, પણ સાચી વાત તો એ છે કે આનંદે કે પછી બીજી કોઈ વ્યક્તિએ મારી સાથે ‘તનુ વેડ્સ મનુ 3’ વિશે વાત નથી કરી. મને ખબર નથી સ્ક્રિપ્ટમાં શું છે. હું કદાચ આ ફિલ્મમાં નથી. કદાચ મને રિપ્લેસ કરી દેવામાં આવ્યો હશે.’
આનંદ એલ. રાયની ‘તનુ વેડ્સ મનુ’નો પહેલો પાર્ટ ૨૦૧૧માં રિલીઝ થયો હતો. બીજો ભાગ ૨૦૧૫માં આવ્યો હતો અને બન્ને ભાગ હિટ સાબિત થયા હતા. આ ફિલ્મના ચાહકો હવે ‘તનુ વેડ્સ મનુ 3’ની રાહ જોઈ રહ્યા છે. ફિલ્મમાં આર. માધવન અને કંગના રનૌત સિવાય જિમી શેરગિલ, દીપક ડોબરિયાલ, સ્વરા ભાસ્કર અને એજાઝ ખાન હતાં.