22 July, 2026 12:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હેમા માલિની, એશા દેઓલ અને આહના દેઓલ
ગયા વર્ષે ૨૪ નવેમ્બરે ધર્મેન્દ્રનું અવસાન થયું હતું અને આજે પણ હેમા માલિની તેમને યાદ કરીને ભાવુક થઈ જાય છે. હાલમાં ધર્મેન્દ્રના અવસાનની પરિવાર પર થયેલી અસર વિશે વાત કરતાં હેમા માલિનીએ કહ્યું હતું કે તેમની બન્ને દીકરીઓ એશા અને આહના હજુ પણ આઘાતમાંથી બહાર આવી શકી નથી.
ધર્મેન્દ્ર સાથેના પોતાના સહજીવનને યાદ કરતાં હેમા માલિનીએ કહ્યું હતું કે ‘આ વિષય પર વાત કરતાં મને ખૂબ અસ્વસ્થતા થાય છે પણ હું ભગવાનની ખૂબ આભારી છું કે તેમણે મને એવો જીવનસાથી આપ્યો જેમની યાદો હું આખી જિંદગી સંભાળી રાખીશ. તેમની જગ્યા કોઈ લઈ શકે તેમ નથી. તેઓ મારા જીવન, મારી કરીઅર અને દરેક બાબતમાં મારી સૌથી મોટી તાકાત હતા. તેમને ખબર હતી કે હું એક કલાકાર અને નૃત્યાંગના છું. તેમણે મારી પ્રગતિ જોઈ હતી અને હંમેશાં મને ફિલ્મો તથા ડાન્સ ચાલુ રાખવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. તેઓ હંમેશાં કહેતા કે જે કામ ગમે છે એ ક્યારેય છોડશો નહીં. તેમને પરિવાર સાથે રહેવું ખૂબ ગમતું હતું. તેઓ હંમેશાં કહેતા કે બધા સાથે રહીને જીવન જીવો, ક્યારેય એકલા ન રહો, હંમેશાં બાળકો અને પરિવાર સાથે રહો. હું ખુશ છું, પણ જ્યારે મારી બન્ને દીકરીઓને પિતાની ખોટને કારણે ઊંડા દુઃખ અને આઘાતમાં જોઉં છું ત્યારે મને પણ ખૂબ દુઃખ થાય છે. આ ખોટ ક્યારેય પૂરી થઈ શકે એમ નથી.’