13 July, 2026 11:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હેમા માલિની, ધમેન્દ્ર તેમનાં સંતાનો સાથે
દિવંગત ઍક્ટર ધર્મેન્દ્રના નિધનના થોડા મહિનાઓ પછી હવે હેમા માલિનીએ તેમની અંતિમ ઇચ્છા વિશે વાત કરી છે. હેમાએ જણાવ્યું કે નિધનના થોડા સમય પહેલાં જ ધર્મેન્દ્રએ તેમને પાસે બોલાવીને કહ્યું હતું કે બધાં બાળકોએ સાથે હળીમળીને રહેવું જોઈએ.
ધર્મેન્દ્રની છેલ્લી ઇચ્છા વિશે વાત કરતાં હેમા માલિનીએ કહ્યું હતું કે ‘ધર્મેન્દ્રજી હંમેશાં કહેતા હતા કે જેટલું બને તેટલું બાળકો સાથે રહો. પરિવાર સાથે રહો. તેઓ હંમેશાં કહેતા હતા કે પરિવાર હંમેશાં એકસાથે રહેવો જોઈએ. આજના સમયમાં આ સૌથી વધુ જરૂરી છે, પરંતુ હવે એવું ઓછું થતું જઈ રહ્યું છે. બાળકો અલગ થઈ રહ્યાં છે. ધર્મેન્દ્રજી કહેતા હતા કે પરિવાર સાથે રહો અને પરિવારને જોડીને રાખો. કામ તો ચાલતું જ રહેશે, પરંતુ પરિવારને સૌથી વધુ મહત્ત્વ આપવું જોઈએ.’
હેમા માલિનીએ ધર્મેન્દ્રનાં પ્રથમ પત્ની પ્રકાશ કૌરનાં સંતાનો સની દેઓલ અને બૉબી દેઓલ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘તેઓ બન્ને ખૂબ જ સ્વીટ છે. સની ખૂબ સારો છે અને બૉબી પણ ખૂબ સારો છે. અમે બધા હંમેશાં સાથે છીએ. અમે આ વાતની પબ્લિસિટી કરતા નથી, પણ અંદરથી અમે બધા એક છીએ અને એકબીજા સાથે ખૂબ સારા સંબંધો ધરાવીએ છીએ. અમે એક સુખી પરિવાર છીએ.’
અમારા જમાનામાં પ્રોડ્યુસર અમને જે પૈસા આપતા એ અમે ભિક્ષાની જેમ સ્વીકારી લેતા : હેમા માલિની
હેમા માલિનીએ પોતાના કારકિર્દીના સુવર્ણકાળ દરમ્યાન તે બૉલીવુડની સૌથી વધારે ફી મેળવનારાં ઍક્ટ્રેસ હતાં એ વાતને ખોટી ગણાવીને સ્પષ્ટતા કરી છે કે તેમના સમયના કલાકારોને આજના સ્ટાર્સની સરખામણીએ ખૂબ ઓછી ફી મળતી હતી અને પૈસા તેમના માટે ક્યારેય પ્રાથમિકતા રહ્યા નહોતા. ફિલ્મોમાં કામ કરવા માટે પોતાને મળતી ફી વિશે સ્પષ્ટતા કરતાં હેમા માલિનીએ કહ્યું હતું કે ‘મને ક્યારેય આજના ટોચના કલાકારો જેવી ફી નથી મળી. અમને તો ખૂબ જ ઓછી રકમ મળતી હતી. વધારે પૈસા કોઈ આપતું જ નહોતું. ડિરેક્ટર અને નિર્માતાઓ મને ખૂબ પસંદ કરતા હતા, પણ મેં ક્યારેય પૈસા માટે કામ કર્યું નહોતું. જેમ-જેમ મારું નામ બનતું ગયું તેમ-તેમ ફીમાં થોડો વધારો થતો ગયો. બસ એટલું જ. એ સમયની વાત જ અલગ હતી. જે ફિલ્મો અમે કરી એમાંથી મળેલું સન્માન જ સાચી કમાણી હતી. કોઈ નિર્માતા જેટલી ફી આપી શકે એટલી જ અમને સ્વીકાર્ય હતી. મેં ક્યારેય એવું નહોતું કહ્યું કે આટલી ફી મળશે તો જ ફિલ્મ કરીશ. મારી મમ્મી બધું સંભાળતી હતી અને તમામ નિર્માતાઓ પ્રત્યે ખૂબ ઉદાર હતી. અમે ક્યારેય પૈસાનો આગ્રહ રાખ્યો નહોતો. તેઓ જે નાનું કવર આપતા અમે એને ભિક્ષાની જેમ સ્વીકારી લેતા.’