07 June, 2025 07:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હિના ખાન
ટીવી-ઍક્ટ્રેસ હિના ખાને ૧૧ વર્ષની રિલેશનશિપ પછી બુધવારે પોતાના બૉયફ્રેન્ડ રૉકી જાયસવાલ સાથે લગ્ન કર્યાં છે. આ લગ્નની તસવીરો સોશ્યલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહી છે. જોકે લગ્નના બીજા જ દિવસે ગુરુવારે હિનાને કામ કરવા માટે પહોંચેલી જોઈને બધાને બહુ આશ્ચર્ય થયું હતું. ગુરુવારે હિના કોરિયન એક્સ્પોમાં પહોંચી હતી જ્યાં તે કૅઝ્યુઅલ લુકમાં જોવા મળી હતી. આ એક્સ્પોમાં હિનાએ ઑરેન્જ ટૉપ પર બ્લૅક જૅકેટ પહેર્યું હતું. હિનાના હાથમાં લગ્નની મેંદી પણ જોવા મળી હતી જેને તેણે કૅમેરાની સામે પણ ફ્લૉન્ટ કરી હતી.
હિના તાજેતરમાં કોરિયા ટૂરિઝમની ઍમ્બૅસૅડર તરીકે નિયુક્ત થઈ છે અને એટલે જ તેના માટે આ કાર્યક્રમમાં હાજરી આપવી બહુ જરૂરી હતું. હિનાને લગ્નના બીજા જ દિવસે પ્રોફેશનલ કમિટમેન્ટને મહત્ત્વ આપતાં જોઈને સોશ્યલ મીડિયા યુઝર્સ તેની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. આ સાથે જ તેની મેંદી પણ ચાહકોને ખૂબ ગમી છે.
રિયલિટી શો માટે હિના ખાને કર્યાં લગ્ન?
ટીવી-ઍક્ટ્રેસ હિના ખાને ૪ જૂને પોતાનાં લગ્નના ફોટો શૅર કરીને પોતાના ચાહકો અને ફૉલોઅર્સને આશ્ચર્યચકિત કરી દીધા હતા. હિનાએ ૧૧ વર્ષની રિલેશનશિપ પછી બૉયફ્રેન્ડ, ફિલ્મમેકર અને બિઝનેસમૅન રૉકી જાયસવાલ સાથે ખાનગી સમારોહમાં લગ્ન કર્યાં હતાં. આ દંપતી ઘણાં વર્ષોથી સ્થિર રિલેશનશિપમાં હતું અને હવે તેઓ પોતાના સંબંધને નેક્સ્ટ લેવલે લઈ ગયાં. હવે ખબર પડી છે કે આ જોડી લગ્ન પછી આગામી સેલિબ્રિટી રિયલિટી શો ‘પતિ પત્ની ઔર પંગા’માં જોવા મળશે. આ શોમાં હિના અને રૉકી અન્ય સેલિબ્રિટી દંપતીઓ સાથે મજેદાર, ભાવનાત્મક અને ઘણી વાર હાસ્યાસ્પદ ચૅલેન્જમાં ભાગ લેશે, જે લગ્નજીવનની વાસ્તવિકતા દર્શાવશે. આ જાહેરાત પછી સોશ્યલ મીડિયામાં ચર્ચા શરૂ થઈ ગઈ છે કે આ રિયલિટી શોનો હિસ્સો બનવા માટે જ હિના અને રૉકીએ તાત્કાલિક લગ્ન કરવાનો નિર્ણય લીધો છે.