એક મુસ્લિમ તરીકે હું હિન્દુઓ અને ભારતીયોની માફી માગું છું

26 April, 2025 08:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પહલગામ અટૅક વિશે હિના ખાને સોશ્યલ મીડિયા પર શૅર કરી હૃદયસ્પર્શી પોસ્ટ

હિના ખાન

બાવીસમી એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓએ પર્યટકો પર કાયરોની માફક હુમલો કર્યો એ ઘટનાને કારણે દેશભરમાં રોષની લાગણી ફેલાઈ છે. ફિલ્મસ્ટાર્સ પણ એક થઈને આ આતંકવાદી હુમલાની આકરી ટીકા કરીને કડક પગલું ભરવાની માગણી કરી રહ્યા છે. આ સંજોગોમાં હિના ખાને સોશ્યલ મીડિયા પર હૃદયસ્પર્શી પોસ્ટ કરીને કહ્યું છે કે આ ઘટનાની અસર મારા માનસિક સ્વાસ્થ્ય પર પડી છે. 

હિના ખાને ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે... 
સંવેદના. કાળો દિવસ. આલોચના અને કરુણાનો પોકાર. જો આપણે હકીકતને સ્વીકારવામાં નિષ્ફળ રહીએ છીએ તો કોઈ વાતનો મતલબ નથી. જો આપણે એક મુસ્લિમ તરીકે વાસ્તવમાં જે થયું એનો સ્વીકાર નથી કરતા તો બાકી બધી વસ્તુઓ માત્ર વાતો છે. સામાન્ય વાતો, કેટલીક ટ્વીટ અને બસ. જે રીતે મુસ્લિમ હોવાનો દાવો કરતા અમાનવીય બ્રેઇનવૉશ થયેલા આતંકવાદીઓએ ઘટનાને જે અંજામ આપ્યો છે એને માટે ભયાવહ શબ્દ પણ બહુ નાનો પડે છે. મારું દિલ બહુ ખરાબ રીતે તૂટી ગયું છે.

હિન્દુ સાથીઓની માફી માગું છું

એક મુસ્લિમ તરીકે હું મારા તમામ હિન્દુ અને ભારતીય સાથીઓની માફી માગું છું. હુમલામાં જે લોકોએ જીવ ગુમાવ્યા છે એ સાંભળીને એક ભારતીય તરીકે મારું દિલ તૂટી ગયું છે. એક મુસ્લિમ તરીકે મારું દિલ તૂટી ગયું. પહલગામમાં જે થયું એ હું ભૂલી નથી શકતી. આ ઘટનાની અસર મારા પર અને માનસિક સ્થિતિ પર પડી છે. આ એ તમામ લોકોનું દર્દ છે જેમણે પોતાના સ્વજન ગુમાવી દીધા છે.  આ એ દર્દ છે જે દરેક ભારતીય અનુભવી રહ્યો છે. હું તેમને માટે પ્રાર્થના કરું છું કે તેમને દુઃખ સહન કરવાની શક્તિ આપે. જેમને આપણે ખોઈ દીધા છે એ તમામના આત્મા માટે હું પ્રાર્થના કરું છું.

હું શરમ અનુભવું છું
હું આ ઘટનાની નિંદા કરું છું. એનો અસ્વીકાર કરું છું અને એને આચરનારા લોકોને નફરત કરું છે. જે લોકોએ આ કામ કર્યું છે એ ગમે તે ધર્મનું પાલન કરતા હોય, પણ મારા માટે એ માણસો નથી. કેટલાક મુસ્લિમોના કૃત્યને કારણે હું શરમ અનુભવું છું. હું મારા ભારતીય સાથીઓને પ્રાર્થના કરું છું કે અમને બધાને અલગ ન કરે. અમે બધા જે ભારતને પોતાનું ઘર અને માતૃભૂમિ ગણીએ છીએ. જો આપણે એકબીજા સાથે લડીશું તો એ જ કરીશું જે તેઓ આપણી પાસે કરાવવા માગે છે. તેઓ આપણને લડાવીને વિભાજિત કરવા માગે છે અને આપણે ભારતીયો તરીકે આવું ન થવા દેવું જોઈએ.

દેશની સાથે
હું એક ભારતીય તરીકે મારા રાષ્ટ્ર અને સુરક્ષાબળો સાથે ઊભી છું. હું મારા દેશનું સમર્થન કરું છું. એક ભારતીય તરીકે મારું માનવું છે કે મારા ખૂબસૂરત દેશમાં તમામ ધર્મ સુરક્ષિત અને સમાન છે. હું કોઈ શરત વગર આ ઘટનાનો બદલો લેવાના મારા 

દેશના સંકલ્પનું સમર્થન કરીશ. આના પર કોઈ સવાલ નહીં.
હું બદલાવ જોઈ રહી છું. નૉર્મલ સ્થિતિને જાળવી રાખવાની ઇચ્છા જોઈ રહી છું. સામાન્ય કાશ્મીરીની આંખોમાં દર્દ જોઈ રહી છું. યુવાન પેઢીના દિલમાં ભારત પ્રત્યે આસ્થા અને વફાદારી જોઈ રહી છું. મને નફરતમાં પિસાઈ રહેલા કાશ્મીરીઓ માટે ખરાબ લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં ઘાટીમાં તિરંગા જોઈને રાહત મળી છે. હું ભારત માટે લગાવવામાં આવતી પ્રેમની પુકારને બિરદાવું છું. મને આશા છે કે આ સ્થિતિ જળવાયેલી રહેશે.

hina khan Pahalgam Terror Attack bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news social media