17 August, 2025 07:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હૃતિક રોશન
હૃતિક રોશન અને તેના પિતા રાકેશ રોશનની કંપની HRX Digitech LLPએ મુંબઈના ચાંદિવલી વિસ્તારમાં ત્રણ ઑફિસ યુનિટ્સ ૩૧ કરોડ રૂપિયામાં ખરીદ્યાં છે. આ ડીલના ઉપલબ્ધ દસ્તાવેજોના આધારે માહિતી મળે છે કે આ નવી ખરીદેલી ઑફિસો અંધેરી-ઈસ્ટમાં આવેલા ચાંદિવલીના બૂમરૅન્ગ બિલ્ડિંગના પ્રથમ માળે આવેલી છે. કુલ ૧૩,૫૪૬ સ્ક્વેર ફીટના કાર્પેટ વિસ્તારમાં રહેલી આ ઑફિસોની ખરીદીનું રજિસ્ટ્રેશન ૯ જુલાઈએ થયું હતું. દસ્તાવેજો મુજબ આ ડીલમાં ૧.૮૬ કરોડ રૂપિયાની સ્ટૅમ્પ-ડ્યુટી અને ૩૦,૦૦૦ રૂપિયા જેટલી રજિસ્ટ્રેશન ફી ચૂકવવામાં આવી હતી.
આ પહેલાં પણ ૨૦૨૪ના સપ્ટેમ્બરમાં HRX Digitech LLPએ બૂમરૅન્ગ બિલ્ડિંગના પાંચમા માળે પાંચ ઑફિસ યુનિટ્સ ૩૭.૭૫ કરોડ રૂપિયામાં ખરીદ્યાં હતાં. આ યુનિટ્સ ૧૭,૩૮૯ સ્ક્વેર ફીટનો કાર્પેટ વિસ્તાર ધરાવતાં હતાં. આ પ્રૉપર્ટીને ૨૦૨૪ની ૫ સપ્ટેમ્બરના ૨.૨૬ કરોડ રૂપિયાની સ્ટૅમ્પ ડ્યુટી અને ૩૦,૦૦૦ રૂપિયાની રજિસ્ટ્રેશન ફી ભરીને ખરીદવામાં આવી હતી.