04 July, 2025 07:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હૃતિક રોશન, યશ
નીતેશ તિવારીની ‘રામાયણ’નો ફર્સ્ટ લુક લૉન્ચ થયો છે. લોકો રણબીરને રામના રોલમાં અને યશને રાવણના રોલમાં જોવા ઉત્સાહી છે. જોકે બહુ ઓછા લોકોને ખબર છે કે રાવણના રોલ માટે યશની પસંદગી કરવામાં આવી એ પહેલાં આ રોલ હૃતિક રોશનને ઑફર કરવામાં આવ્યો હતો અને એ સાંભળીને હૃતિકના ફૅન્સ ખુશ થઈ ગયા હતા, પણ પછી હૃતિકે આ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી.
મળતી માહિતી પ્રમાણે હૃતિકને આ રોલ ઑફર થયો ત્યારે તેને ફિલ્મની સ્ક્રિપ્ટ ગમી ગઈ હતી અને તે આ પ્રોજેક્ટને લઈને ઉત્સાહી હતો, પણ પછી તેને લાગ્યું કે નેગેટિવ પાત્ર ભજવવાથી મારી કરીઅર પર નકારાત્મક અસર પડશે અને મારા ફૅન્સ મને હીરો તરીકે જ જોવાનું પસંદ કરશે. એ પછી નીતેશ તિવારી અને પ્રોડક્શન-ટીમ સાથે ઘણી ચર્ચા કર્યા બાદ હૃતિકે આ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. એ પછી રાવણ તરીકે યશની પસંદગી કરવામાં આવી હતી.