28 January, 2026 03:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હૃતિક રોશન
હૃતિક રોશન આમ તો સુપરફિટ છે, પણ હાલમાં તે જાહેરમાં કાખઘોડીના ટેકે ચાલતો જોવા મળ્યો હતો અને તેની આ તસવીરો ચર્ચાનું કારણ બની છે. જોકે હવે હૃતિકે સોશ્યલ મીડિયા પર લાંબી પોસ્ટ શૅર કરીને પોતાની તબિયતના ઉતારચડાવ વિશે જણાવ્યું છે.
હૃતિકે પોતાની પોસ્ટમાં હળવા અંદાજમાં દુખાવા વચ્ચે પણ હાસ્ય જાળવી રાખીને લખ્યું છે, ‘મારો ડાબો પગ ગઈ કાલે અચાનક આખા શરીરથી અલગ પડીને OFF થઈ ગયો છે. મને લાગે છે કે મારા શરીરના દરેક ભાગનું પોતાનું ON અને OFF બટન છે. મારો ડાબો પગ, ડાબો ખભો અને જમણી એડી આ OFF બટનનો ઉપયોગ એવી રીતે કરે છે જાણે કે એ તેમનો આ જન્મસિદ્ધ અધિકાર હોય. આ બધું એ સમયના મૂડ પર નિર્ભર હોય છે.’
હૃતિકે પોતાની શારીરિક સમસ્યા વિશે વાત કરતાં કહ્યું હતું કે મને ફક્ત શારીરિક દુખાવો નથી થતો, ક્યારેક મને શબ્દો બોલવામાં પણ મુશ્કેલી પડે છે. પોતાનો અનોખો અનુભવ શૅર કરતાં તેણે લખ્યું, ‘કેટલાક દિવસથી મારી જીભ ડિનર શબ્દ બોલવાનો ઇનકાર કરી દે છે. એક ફિલ્મના કોર્ટરૂમ સીનમાં મારે સામેની વ્યક્તિને ડિનર માટે આમંત્રણ આપવાનું હતું, પણ મારી જીભે એ શબ્દ બોલવાનો ઇનકાર કરી દીધો. અંતે મારે તેને વારંવાર લંચ પર ઇન્વાઇટ કરવી પડી, કારણ કે લંચ શબ્દનું ON બટન ચાલુ હતું.’
હૃતિકે સ્વીકાર્યું છે કે આવી આરોગ્યસંબંધિત સમસ્યાઓ માનસિક રીતે માણસને તોડી નાખે છે. પોતાની માનસિક મજબૂતી દર્શાવતાં તેણે કહ્યું, ‘મારા દિમાગની નસો ક્યારેક મને લાચારીના અંધારા કૂવામાં ધકેલી દે છે. નીચે ખેંચતા વિચારો સતત મને તોડવાનો પ્રયાસ કરે છે, પરંતુ આ તમામ મુશ્કેલીઓ વચ્ચે પણ હું આગળ વધવાનું શીખી રહ્યો છું.’