14 February, 2026 07:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
થોડા સમય માટે હું આરામ કરી રહ્યો છું, અંતે હું મુક્ત છું
છેલ્લા કેટલાક સમયથી હૃતિક રોશન સોશ્યલ મીડિયા પર ખૂબ સક્રિય રહે છે અને નિયમિત પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફની અપડેટ શૅર કરતો રહે છે. હાલમાં તેણે સોશ્યલ મીડિયામાં પોતાની કેટલીક નવી તસવીરો પોસ્ટ કરી છે અને સાથે ઇમોશનલ નોટ પણ લખી છે જેણે ફૅન્સનું ધ્યાન ખેંચ્યું છે. આ શૅર કરેલી તસવીરોમાં હૃતિક તળાવના કિનારે ઊભેલો જોવા મળે છે, જ્યારે તેની પાછળ પહાડોનું બૅકગ્રાઉન્ડ દેખાઈ રહ્યું છે.
આ તસવીર સાથે હૃતિકે દિલની વાત વ્યક્ત કરતાં લખ્યું છે, ‘બદલાવનો સમય આવી રહ્યો છે. હવે બધું મારી સામે છે. જે વસ્તુઓ હું જોઈ રહ્યો છું એમાં હું પોતે સ્પષ્ટ દેખાઈ રહ્યો છું. દુનિયા બદલાઈ રહી છે અને શાંતિપૂર્ણ પાણી વચ્ચે મારી આસપાસ પરિવર્તન થઈ રહ્યું છે. વસ્તુઓ પોતાનું આવરણ ઉતારીને મુક્ત બની રહી છે, મારી જેમ. તારાઓ પોતાની રોશની સાથે રાહ જોઈ રહ્યા છે. થોડા સમય માટે હું આરામ કરી રહ્યો છું, અંતે હું મુક્ત છું.’
મને ક્યારેય ડૉન 3 ઑફર કરવામાં નથી આવી
રણવીર સિંહે હાલમાં ‘ડૉન 3’ના મેકર ફરહાન અખ્તર પર આરોપ લગાડ્યો હતો કે તેની કંપની એક્સેલ એન્ટરટેઇનમેન્ટ પહેલાં તેના બદલે આ ફિલ્મમાં હૃતિક રોશનને લેવા વિશે વિચાર કરી રહ્યું હતું અને ‘ધુરંધર’ની સફળતા બાદ ફરીથી તેનો સંપર્ક કરવામાં આવ્યો જેથી તેના સ્ટારડમનો લાભ લઈ શકાય. આ મામલે વિવાદ વધતાં હૃતિકે ગઈ કાલે રણવીરના આ દાવાને કારણે શરૂ થયેલી ચર્ચા પર પૂર્ણવિરામ મૂકતાં કહ્યું હતું કે ‘ડૉન 3’ માટે ક્યારેય તેનો સંપર્ક કરવામાં આવ્યો નથી. હૃતિકે પોતાના નિવેદનમાં જણાવ્યું કે ‘જે વાત માત્ર અફવા તરીકે શરૂ થઈ હતી એ હવે ખૂબ જ ફેલાઈ ગઈ છે એટલે હકીકત જણાવવી જરૂરી છે. હું સ્પષ્ટપણે કહેવા માગું છું કે ‘ડૉન 3’ માટે મને ક્યારેય સંપર્ક કરવામાં આવ્યો નથી.’
રણવીર સિંહના ‘ડૉન 3’ પ્રોજેક્ટમાંથી બહાર નીકળ્યા બાદ પ્રોડક્શન-હાઉસ એક્સેલ એન્ટરટેઇનમેન્ટ સાથે તેનો વિવાદ ચર્ચામાં છે. રિપોર્ટ્સ મુજબ નિર્માતાઓએ દાવો કર્યો છે કે ફિલ્મના પ્રી-પ્રોડક્શન પર અંદાજે ૪૦ કરોડ રૂપિયાનું રોકાણ થઈ ચૂક્યું હતું અને રણવીરે પ્રોજેક્ટ છોડતાં આ રકમના વળતરની ડિમાન્ડ કરવામાં આવી છે. આ મામલા બાબતે રણવીરે દાવો કર્યો હતો કે ફરહાન અખ્તર પાસે બાઉન્ડ સ્ક્રિપ્ટ તૈયાર નહોતી અને એક અભિનેતા તરીકે એ ડેવલપ થયેલી સ્ક્રિપ્ટ પર જ કામ કરે છે.