આજે પણ અનોખી સ્ટોરી કરવાનું ગમે છે રામ ગોપાલ વર્માને

26 October, 2021 05:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેનું એમ પણ કહેવું છે કે તે સફળતા-નિષ્ફળતા અને લોકોનાં રીઍક્શનથી ગભરાતો નથી

રામ ગોપાલ વર્મા

રામ ગોપાલ વર્માનું કહેવું છે કે તે એ જ ફિલ્મમેકર છે જે અનોખી સ્ટોરી દર્શકો માટે લઈને આવે છે. સાથે જ તેનું એમ પણ કહેવું છે કે તે સફળતા-નિષ્ફળતા અને લોકોનાં રીઍક્શનથી ગભરાતો નથી. તેણે મનોજ બાજપાઈ, ઊર્મિલા માતોંડકર અને કે કે મેનન જેવા કલાકારોને એક મંચ આપ્યું હતું. તેણે ‘રંગીલા’, ‘શૂલ’, ‘સત્યા’, ‘કંપની’, ‘સરકાર’ અને ‘રક્ત ચરિત્ર’ જેવી ફિલ્મો બનાવી હતી. તેને પૂછવામાં આવ્યું કે તેની ફિલ્મોમાં હવે પહેલાં જેવી આગ કેમ દેખાતી નથી. પાછલાં અમુક વર્ષોમાં તેની અનેક ફિલ્મો ફ્લૉપ ગઈ છે. એનો જવાબ આપતાં રામ ગોપાલ વર્માએ કહ્યું કે ‘જુઓ, હું તો આજે પણ એ જ ફિલ્મમેકર છું, જેને સ્ટોરી આકર્ષિત કરે અને એમાંથી જ ફિલ્મ બનાવે. હું શું કામ નાહકની મારી એનર્જી બરબાદ કરું અને અનેક લોકોને એમાં સામેલ કરીને એવો પ્રોજેક્ટ બનાવું જે લોકોને પસંદ જ નહીં પડે. જોકે વાસ્તવિકતા તો એ છે કે લોકોનાં રીઍક્શન મારા હાથમાં નથી, પરંતુ આગામી સ્ટોરી તો છે. એથી હું એ જ ફિલ્મમેકર છું જે અનોખી સ્ટોરી લઈને આવે છે. હું સફળતા-નિષ્ફળતા કે દર્શકોનાં કોઈ પણ પ્રકારનાં રીઍક્શનથી નિર્ભય છું.’

પાછલી ફિલ્મની સફળતા-નિષ્ફળતામાંથી કોઈ પાઠ લેવાનું તે નથી માનતો. એ વિશે રામ ગોપાલ વર્માએ કહ્યું કે ‘પાછલા રિઝલ્ટથી હુંકાંઈ શીખતો નથી, કારણ કે દરેક સ્ટોરી અલગ હોય છે. હું કદી આવું નથી કરતો. હું કોઈ ફૉર્મ્યુલા નથી અપનાવતો. ‘રંગીલા’ની સફળતા બાદ મેં ‘સત્યા’ બનાવી હતી. એવું કઈ રીતે શક્ય છે કે હું ‘રંગીલા’ પાસેથી શીખીને ‘સત્યા’ બનાવું, કારણ કે બન્ને ફિલ્મોની સ્ટોરી તો અલગ છે.’

૩૭૭ની કલમ હટાવ્યા બાદ ‘ડેન્જરસ’ પહેલી લેસ્બિયન ફિલ્મ છે. આ ફિલ્મમાં નયના ગાંગુલી અને અપ્સરા રાની લીડ રોલમાં છે. જોકે આ ફિલ્મ અલગ હોવાનું જણાવતાં રામ ગોપાલ વર્માએ કહ્યું કે ‘આ લેસ્બિયન રિલેશનશિપનો અલગ દૃષ્ટિકોણ છે. આ બધા દરમ્યાન લેસ્બિયન રિલેશનશિપ વિશે ફિલ્મો બની છે. LGBTQ વિષયને પણ વાચા આપવામાં આવી છે. જોકે ૩૭૭ની કલમ હટાવ્યા બાદ લેસ્બિયન લવસ્ટોરી પર કોઈ ફિલ્મો નથી બની. મારી સ્ટોરી હૅટરોસેક્સ્યુઅલ લવ-સ્ટોરી છે. બે વ્યક્તિઓ પ્રેમમાં પડે છે, કટોકટીનો સામનો કરીને એમાંથી કેવી રીતે બહાર નીકળે છે એ દેખાડવામાં આવ્યું છે. છોકરો અને છોકરીના પ્રેમની સ્ટોરી દેખાડવાને બદલે અમે બે છોકરીનો પ્રેમ દેખાડીશું. હું મારી સેમ-સેક્સની સ્ટોરીને ઠીક એ રીતે જ દેખાડવા માગું છું જે રીતે ઑપોઝિટ–સેક્સ લવ-સ્ટોરી હોય છે. મારી ફિલ્મ LGBTQ વિશે નથી, પરંતુ બે છોકરીની સાધારણ લવ-સ્ટોરી છે.’

entertainment news bollywood bollywood news ram gopal varma