મલાઇકા અને નોરા સાથે ડાન્સ કરવાની ખુશી છે : આયુષમાન

29 November, 2022 03:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ થ્રિલર ફિલ્મ બીજી ડિસેમ્બરે રિલીઝ થવાની છે

આયુષમાન ખુરાના, લાઇકા અરોરા અને નોરા ફતેહી

આયુષમાન ખુરાનાનું કહેવું છે કે ‘ઍન ઍક્શન હીરો’માં મલાઇકા અરોરા અને નોરા ફતેહી સાથે ડાન્સ કરવાની મને ખુશી છે. આ થ્રિલર બીજી ડિસેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મમાં  આયુષમાન એક સુપરસ્ટારના રોલમાં દેખાવાનો છે જે અજાણતાં જ અપરાધ કરી બેસે છે. આ ફિલ્મમાં ‘આપ જૈસા કોઇ’ ગીતમાં આયુષમાન અને મલાઇકા દેખાશે, તો ‘જેદા નશા’માં આયુષમાન સાથે નોરા છે. બન્નેની સાથે ડાન્સ કરવાના અનુભવ વિશે આયુષમાને કહ્યું કે ‘મારી આગામી ફિલ્મ ‘ઍન ઍક્શન હીરો’માં દેશની સૌથી મોટી ડાન્સિંગ સ્ટાર્સ મલાઇકા અરોરા સાથે સિચુએશનલ ગીત ‘આપ જૈસા કોઇ’ અને નોરા ફતેહી સાથે ‘જેદા નશા’માં ડાન્સ કરવાનો મને આનંદ છે. તેઓ અદ્ભુત પર્ફોર્મર્સ છે અને સાથે જ સારી વ્યક્તિ પણ છે. આ ડાન્સ નંબર્સમાં તેમની સાથે કામ કરવાનો અનુભવ શાનદાર રહ્યો. આશા છે કે દેશના લોકોને પણ આ ગમશે.’

પોતાના રોલ વિશે આયુષમાને કહ્યું કે ‘હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટારનો રોલ કરવો એ મારા માટે મજેદાર રાઇડ હતી, જેમાં મને ધમાકેદાર ઍક્શનની સાથે જ આ સેન્સેશનલ ડાન્સર્સ સાથે ડાન્સ કરવાની તક મળી. તેઓ પોતાની ટૅલન્ટથી દરેકને મંત્રમુગ્ધ કરશે. હું તેમની સાથે સ્ટેપ્સ સરખાવવાનો પ્રયાસ કરતો હતો અને આ અનુભવ મારા માટે યાદગાર રહેશે, કારણ કે પહેલી વખત મેં ફિલ્મમાં ડાન્સ માટે પ્રાણ પૂર્યા હતા અને એમાં મને ખૂબ મજા પણ આવી હતી. મારી ફિલ્મમાં આવી રીતે ડાન્સ કરવાનું મારા બકેટ-લિસ્ટમાં હતું અને મને ખુશી છે કે મલાઇકા અને નોરા સાથે ડાન્સ કરીને મારી એ ઇચ્છા પણ પૂરી થઈ ગઈ છે.’

entertainment news bollywood news bollywood gossips bollywood ayushmann khurrana malaika arora nora fatehi upcoming movie