23 November, 2025 08:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રોનિત રૉય
રોનિત રૉયે ગઈ કાલે ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત કરી હતી કે તે અચોક્કસ મુદત માટે સોશ્યલ મીડિયાથી દૂર જઈ રહ્યો છે. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું કે ‘હું હવે જે કહેવાનો છું એ બહુ પ્રેમ, સમજદારી અને વિચારણા કરીને લેવાયેલો નિર્ણય છે. તમને બધાને ખબર છે કે હું તમને બહુ પ્રેમ કરું છું. હું તમારી પોસ્ટ સ્ક્રોલ કરીને લાઇક કરું છું, તમારી પોસ્ટ પર કમેન્ટ કરું છું અને શક્ય હોય એટલા વધારે મેસેજને ડાયરેક્ટ જવાબ આપવાનો પ્રયાસ કરું છું.
મને તમારો જે પ્રેમ મળે છે એના માટે હું આભારી છું. મને તમારા તરફથી જે આદર અને પ્રેમ મળે છે એને હું બહુ સંભાળીને મારા હૃદયની નજીક રાખું છું. જોકે હવે હું જીવનના એ તબક્કે પહોંચી ગયો છું જ્યારે મારે મારા અને મારા પરિવાર માટે આગળ એવો નવો રસ્તો બનાવવાનો છે જે મને માણસ તરીકે, સ્વજન તરીકે અને ઍક્ટર તરીકે વધારે બહેતર બનાવે. આ એવો રસ્તો છે જેના પર હું પહેલાં ક્યારેય નથી ચાલ્યો. આના માટે મારે કમ્ફર્ટ અને જૂની આદતોને છોડવી પડશે. બીબાંઢાળ માળખામાંથી કૂદકો મારીને બહાર નીકળીને નવેસરથી જીવવું પડશે. થોડી બીક લાગે એવું છે પણ મને ખબર છે કે આ કરવું જરૂરી છે.
મારી જાતને નવેસરથી શોધવાના આ પ્રયાસમાં ડિજિટલ દુનિયાથી દૂર રહેવાનો પ્રયાસ એટલે કે ડિજિટલ સેપરેશન એક મહત્ત્વનું પરિબળ છે જે મને માનસિક અને આધ્યાત્મિક રીતે વધારે મજબૂત બનવામાં મદદ કરશે (આશા છે કે એના પછી તમે મને વધારે પ્રેમ કરશો). આ કારણોસર થોડો સમય માટે (કેટલો સમય એ નક્કી નથી) હું સોશ્યલ મીડિયાથી દૂર જઈ રહ્યો છું એ માટે મને માફ કરજો.
મને એ કહેવાની જરૂર નથી લાગતી કે તમારા પ્રેમથી દૂર રહેવાનું અશક્ય છે એટલે મારો પર્સનલ ટાર્ગેટ પૂરો થશે અને હું સારી આદતો અપનાવી લઈશ કે તરત જ તમારી પાસે પાછો ફરીશ. પ્લીઝ મને ભૂલતા નહીં અને ભગવાન તમારા સૌનું ભલું કરે.’