31 October, 2026 11:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇબ્રાહિમ-પલકના બ્રેકઅપની ચર્ચા
સૈફ અલી ખાન અને અમૃતા સિંહનો દીકરો ઇબ્રાહિમ અલી ખાન છેલ્લાં કેટલાક વર્ષોથી શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી સાથે ડેટિંગ કરી રહ્યો હોવાની ચર્ચા છે. બન્નેએ ક્યારેય પોતાના સંબંધો વિશે સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ કરી નથી, પણ તેઓ વારંવાર જાહેર સ્થળોએ સાથે જોવા મળતાં હોવાથી ડેટિંગની અફવાઓને વેગ મળતો રહ્યો છે. લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે ત્રણ વર્ષથી વધુ સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ ઇબ્રાહિમ અને પલકે હવે અલગ થવાનો નિર્ણય લીધો છે તેમ જ આ સંબંધોનો અંત લાવવાની પહેલ ઇબ્રાહિમે કરી હતી.
ઇબ્રાહિમ અને પલકના બ્રેકઅપના સમાચારને કારણે તેમના ફૅન્સને આંચકો લાગ્યો છે, કારણ કે તેઓ થોડા સમય પહેલાં જ રણથંભોરમાં ટાઇગર સફારી દરમ્યાન સાથે જોવા મળ્યાં હતાં અને બન્ને ખુશ લાગતાં હતાં. હાલમાં પણ બ્રેકઅપ પછી બન્ને સોશ્યલ મીડિયા પર એકબીજાને ફૉલો કરે છે. જોકે ઇબ્રાહિમ કે પલક બન્નેમાંથી કોઈએ પણ અત્યાર સુધી પોતાના સંબંધો કે બ્રેકઅપના અહેવાલ વિશે સત્તાવાર રીતે કોઈ નિવેદન આપ્યું નથી.