20 January, 2026 10:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાની મુખરજી
રાની મુખરજી તેની ૧૦ વર્ષની દીકરી અદિરાનો ચહેરો ક્યારેય જાહેરમાં બતાવતી નથી, પરંતુ તેના વિશે ક્યારેક વાત કરે છે. હાલમાં રાનીએ એક ઇન્ટરવ્યુમાં દીકરીના સ્વભાવ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે અદિરા મારી સૌથી મોટી ચિયરલીડર છે. રાનીએ અદિરાને ‘જેન આલ્ફા’ જનરેશનની ગણાવીને મજાકમાં કહ્યું કે હું દીકરીને થપ્પડ મારી શકતી નથી, કારણ કે એવું કરવાથી તે મને સામે થપ્પડ મારી શકે છે.
એક ઇન્ટરવ્યુમાં રાનીએ જણાવ્યું હતું કે ‘મારા પિતાના નિધન પછી મને મારા અભિનયના મામલે તેમના ફીડબૅકની ઘણી ખોટ સાલે છે. આ બહુ મુશ્કેલ છે, પરંતુ ભગવાન જીવનમાં સંતુલન રાખે છે. તેમણે મને દીકરી આપી. તે મારી ખૂબ નજીક છે અને તેને મારા પર ખૂબ ગર્વ છે. મારી દીકરીએ આજે મારા પિતાનું સ્થાન લઈ લીધું છે. તે મારી સૌથી મોટી ચિયરલીડર છે. તેણે મારી ફિલ્મો નથી જોઈ, કારણ કે તે મારી સાથે બહુ લાગણીપૂર્વક જોડાયેલી છે. તે મને રડતી જોઈ શકતી નથી એટલે સ્ક્રીન પર મને રડતી જોવાનું તેને મુશ્કેલ લાગે છે. જ્યારે હું સ્ક્રીન પર નાચું છું અને ખુશ હોઉં છું ત્યારે તેને ગમે છે. તેને ‘હિચકી’, ‘થોડા પ્યાર થોડા મૅજિક’ અને ‘બન્ટી ઔર બબલી’ ગમે છે. પરંતુ ‘કુછ કુછ હોતા હૈ’ જોવામાં તેને તકલીફ થાય છે, કારણ કે એમાં પહેલા જ સીનમાં મારું પાત્ર મરી જાય છે.’
રાનીએ ઇન્ટરવ્યુમાં આગળ જણાવ્યું હતું, ‘મારી દીકરીને હું મેકઅપમાં સારી નથી લાગતી. જ્યારે હું મેકઅપ લગાવું છું ત્યારે તે કહે છે, મમ્મા, તમે મારી મમ્મા જેવાં નથી લાગતાં અને જ્યારે હું મેકઅપ ઉતારી દઉં છું ત્યારે તે મારી પાસે આવીને મને કહે છે, હવે તમે મારી મમ્મા લાગી રહ્યાં છો.’
રાનીએ ઇન્ટરવ્યુમાં સ્વીકાર્યું કે તે પોતાની દીકરીથી ડરે છે. તેણે કહ્યું કે ‘તે મને ખિજાય પણ છે. તે જેન આલ્ફા છે. ક્યારેક તે મારા પર ગુસ્સે થાય છે અને મારે તેની વાત સાંભળવી પણ પડે છે, કારણ કે દરેક પેઢી બદલાય છે. તેનો સ્વભાવ ખૂબ મજબૂત અને નીડર છે. જેમ મને મારી મા પાસેથી થપ્પડ પડતી હતી એમ હું મારી દીકરીને થપ્પડ નથી મારી શકતી, કારણ કે તે મને જ વળતી થપ્પડ મારી શકે. નૅશનલ અવૉર્ડ વખતે તો તે આખા ઘરમાં ઊછળકૂદ કરતી હતી. આ બહુ પ્યારો અનુભવ છે, પરંતુ તે આલ્ફા જનરેશનની છે એટલે હું તેનાથી થોડી ડરું છું.’