ઘૂસખોર પંડતનું ટાઇટલ નહીં બદલાય તો ફિલ્મની રિલીઝને પરવાનગી નહીં મળે

13 February, 2026 02:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આવી સૂચના આપીને સુપ્રીમ કોર્ટે ફિલ્મનિર્માતા નીરજ પાંડે, કેન્દ્ર સરકાર અને સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશનને નોટિસ ફટકારી

મનોજ બાજપાઈ

નેટફ્લિક્સ પર રિલીઝ થનારી મનોજ બાજપાઈની ફિલ્મ ‘ઘૂસખોર પંડત’ના ટાઇટલ સામે વાંધો ઉઠાવીને સુપ્રીમ કોર્ટે ફિલ્મનિર્માતા નીરજ પાંડે, કેન્દ્ર સરકાર અને સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશનને નોટિસ ફટકારી છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો ફિલ્મનું નામ નહીં બદલવામાં આવે તો એની રિલીઝ પર રોક લગાવી દેવામાં આવશે.

આ મામલાની સુનાવણી દરમ્યાન જસ્ટિસની બેન્ચે ફિલ્મના નામ ‘ઘૂસખોર પંડત’ વિશે નીરજ પાંડેને સંબોધતાં કહ્યું હતું કે જ્યાં સુધી આ ટાઇટલ બદલવામાં નહીં આવે ત્યાં સુધી ફિલ્મની રિલીઝની પરવાનગી આપી શકાય નહીં. બેન્ચે કમેન્ટ કરી છે કે આવું નામ નૈતિકતા અને જાહેર વ્યવસ્થા સાથે જોડાયેલી ચિંતાઓ ઊભી કરે છે અને આવા સંવેદનશીલ મુદ્દાઓને અવગણી શકાય નહીં. 

‘ઘૂસખોર પંડત’ની રિલીઝ પર સ્ટે મૂકવાની માગણી કરતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. અરજદારની દલીલ હતી કે ફિલ્મના નામથી એક ચોક્કસ સમુદાયની લાગણી દુભાય છે અને એ સમાજમાં ખોટો સંદેશ આપે છે. સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્ર સરકાર અને સેન્સર બોર્ડ પાસે પણ જવાબ માગ્યો છે. સુપ્રીમ કોર્ટે તમામ પક્ષકારોના પ્રતિભાવો માગ્યા છે અને હવે આ કેસની આગામી સુનાવણી તમામ પક્ષોના જવાબ દાખલ થયા બાદ કરવામાં આવશે. આ સંજોગોમાં નિર્માતા નીરજ પાંડે માટે હવે ફિલ્મનું નામ બદલવું જરૂરી બની ગયું છે. 

netflix manoj bajpayee indian cinema indian films supreme court central board of film certification cbfc neeraj pandey bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news