29 November, 2026 04:23 PM IST | Panji | Gujarati Mid-day Online Correspondent
વિશાલ ચતુર્વેદી અને રિષભ શેટ્ટી
અભિનેતા અને દિગ્દર્શક રિષભ શેટ્ટીને તેની ફિલ્મ ‘કાંતારા: અ લેજન્ડ – ચૅપ્ટર 1’ માટે 57મા ઇન્ટરનૅશનલ ફિલ્મ ફૅસ્ટિવલ ઑફ ઇન્ડિયા (IFFI)માં શ્રેષ્ઠ અભિનેતા (પુરુષ) તરીકે ‘સિલ્વર પીકૉક ઍવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યો છે. શનિવાર, 28 નવેમ્બરના રોજ ગોવામાં યોજાયેલા ફિલ્મ ફૅસ્ટિવલના સમાપન સમારોહ દરમિયાન વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી. તેમ જ આ વર્ષે શ્રેષ્ઠ ફિલ્મ માટેનો ‘ગોલ્ડન પીકૉક ઍવોર્ડ’ પોર્ટુગલ અને ફ્રાન્સના સહ-નિર્માણ હેઠળ બનેલી અને ટિયાગો ગુએડેસ દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘અક્વી’ (Aquí)ને આપવામાં આવ્યો. આ ઉપરાંત, ભારતીય ફિલ્મ નિર્માતા વિશાલ ચતુર્વેદીને તેની ફિલ્મ ‘હનુમાન અંશ’ માટે ‘બેસ્ટ ડૅબ્યુ ડિરેક્ટર’નો પુરસ્કાર મળ્યો.
‘કાંતારા: અ લિજેન્ડ - ચૅપ્ટર 1’નું દિગ્દર્શન કરવા ઉપરાંત, રિષભ શેટ્ટીએ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા પણ ભજવી છે. વર્ષ 2025માં રિલીઝ થયેલી આ કન્નડ ભાષાની ફિલ્મમાં રુકમિણી વસંત, જયરામ, ગુલશન દેવૈયા અને અચ્યુત કુમાર પણ મુખ્ય ભૂમિકાઓમાં છે. શ્રેષ્ઠ અભિનેતાના પુરસ્કાર ઉપરાંત, આ ફિલ્મને IFFIમાં ‘સ્પેશિયલ મૅન્શન’ પણ પ્રાપ્ત થયો છે. ‘હનુમાન અંશ’ ફિલ્મ નીબ કરોલી બાબાની આધ્યાત્મિક યાત્રા પર આધારિત છે. તે 7 ઑગસ્ટ, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું હિન્દી સંસ્કરણ 27 નવેમ્બરથી SonyLIV પર સ્ટ્રીમ થવાનું શરૂ થયું છે, જ્યારે અન્ય ભાષાઓના ડબ 29 નવેમ્બરથી Netflix પર ઉપલબ્ધ થશે.
IFFI 2026માં અનેક આંતરરાષ્ટ્રીય કલાકારો અને ફિલ્મ નિર્માતાઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. વોલ્કર શ્લોન્ડોર્ફને તેમની ફિલ્મ ‘વિઝિટેશન’ (Visitation) માટે શ્રેષ્ઠ દિગ્દર્શકનો ‘સિલ્વર પીકૉક ઍવોર્ડ’ મળ્યો. ફિલ્મ ‘ધ મેલ્ટડાઉન’ (The Meltdown) માટે માયા ઓ’રુર્કેને બેસ્ટ ઍકટર (મહિલા) તરીકે પસંદ કરવામાં આવી હતી. બેરેન્જર થુઆનની ફિલ્મ ‘ધ ગોલ્ડન એજ’ (The Golden Age)ને ‘બેસ્ટ ડૅબ્યુ ફીચર’નો પુરસ્કાર મળ્યો, જ્યારે ‘ધ રિવર ટ્રેન’ (The River Train) ફિલ્મને ‘સ્પેશિયલ જ્યુરી ઍવોર્ડ’ આપવામાં આવ્યો.
બેસ્ટ ફિલ્મ માટેનો `ગોલ્ડન પીકૉક` પુરસ્કાર `અક્વી` (ટિયાગો ગુએડેસ) ને મળ્યો; શ્રેષ્ઠ દિગ્દર્શક માટેનો `સિલ્વર પીકૉક` પુરસ્કાર વોલ્કર શ્લોન્ડોર્ફ (`વિઝિટેશન`) ને આપવામાં આવ્યો; રિષભ શેટ્ટી (`કાંતારા: અ લિજેન્ડ - ચૅપ્ટર 1`) બેસ્ટ ઍકટર (પુરુષ) બન્યા; અને માયા ઓ`રુર્ક (`ધ મેલ્ટડાઉન`) બેસ્ટ ઍકટર (મહિલા) બન્યા. બેસ્ટ ડૅબ્યુ ફીચર ફિલ્મ માટેનો પુરસ્કાર `ધ ગોલ્ડન એજ` ને મળ્યો, અને `સ્પેશિયલ જ્યુરી ઍવોર્ડ` `ધ રિવર ટ્રેન` ને આપવામાં આવ્યો. `કાંતારા` ને `સ્પેશિયલ મૅન્શન` મળ્યો, જ્યારે વિશાલ ચતુર્વેદીને `હનુમાન અંશ` માટે બેસ્ટ ડેબ્યુ ડિરેક્ટરના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. શ્રેષ્ઠ વેબ સિરીઝ (OTT) માટેનો પુરસ્કાર રોબી ગ્રેવાલ દ્વારા નિર્દેશિત `મેડ ઇન ઇન્ડિયા: અ ટાઇટન સ્ટોરી` ને આપવામાં આવ્યો. 57મો IFFI ગોવામાં 20 થી 28 નવેમ્બર દરમિયાન યોજાયો હતો. આ વર્ષના ફિલ્મ મહોત્સવની થીમ `સ્ટોરીઝ વિધાઉટ બોર્ડર્સ` હતી. તેમાં વિશ્વભરની ફિલ્મો અને ફિલ્મ નિર્માતાઓ સામેલ હતા.