અમારો પ્રયાસ રહેશે કે ઇક્કા 2, ઇક્કા 3 અને ઇક્કા 4 પણ બને

30 June, 2026 01:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડિરેક્ટર સિદ્ધાર્થ પી. મલ્હોત્રા કહે છે કે સની દેઓલ અને અક્ષય ખન્નાની જોડીને ચમકાવતી ઇક્કાની મોટી ફ્રૅન્ચાઇઝી બનશે

ગઈ કાલે મુંબઈમાં યોજાયેલી ‘ઇક્કા’ની ટ્રેલર-લૉન્ચ ઇવેન્ટમાં દિયા મિર્ઝા અને સની દેઓલ

સની દેઓલ અને અક્ષય ખન્નાની જોડી એક વખત ફરી નેટફ્લિક્સ પર રિલીઝ થનારી ‘ઇક્કા’માં સાથે જોવા મળશે. આ પહેલાં બન્ને છેલ્લે ‘બૉર્ડર’માં સાથે જોવા મળ્યા હતા જે ૨૯ વર્ષ પહેલાં રિલીઝ થઈ હતી. હવે આટલા લાંબા સમય પછી બન્ને દિગ્ગજ કલાકારોને ફરી એકસાથે જોવા માટે ચાહકોમાં ભારે ઉત્સાહ છે.

ડિરેક્ટર સિદ્ધાર્થ પી. મલ્હોત્રા

આ ફિલ્મ વિશે વાત કરતાં ડિરેક્ટર સિદ્ધાર્થ પી. મલ્હોત્રાએ કહ્યું હતું કે ‘મેં ‘ઇક્કા’ની વાર્તા લખવાની શરૂઆત કરી હતી ત્યારે મારા મનમાં શરૂઆતથી જ સની દેઓલ અને અક્ષય ખન્નાનાં નામ હતાં, કારણ કે બન્ને પોતપોતાના પાત્ર માટે એકદમ યોગ્ય હતા. હું છેલ્લાં ૯ વર્ષથી અનેક લોકોને આ વાર્તા સંભળાવી રહ્યો છું. અક્ષય ખન્નાએ વાર્તા સાંભળ્યાના માત્ર બે દિવસમાં જ ફિલ્મ માટે હા પાડી દીધી હતી અને એ જ અઠવાડિયામાં કરાર પર સહી પણ થઈ ગઈ હતી. અમારો પ્રયાસ રહેશે કે ‘ઇક્કા 2’, ‘ઇક્કા 3’ અને ‘ઇક્કા 4’ પણ બને કારણ કે ‘ઇક્કા’ એ ફિલ્મના વકીલનું નામ છે. કાયદાની દુનિયામાં તેને ‘ઇક્કા’ કહેવામાં આવે છે. હાલમાં નવી કહાની નક્કી થઈ નથી, પરંતુ મેકર્સ અને નેટફ્લિક્સ આ ફ્રૅન્ચાઇઝીને આગળ વધારવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.’

sunny deol akshaye khanna dia mirza netflix upcoming movie entertainment news bollywood bollywood news