અમિતાભ બચ્ચનને કેવી લાગી દોહિત્ર અગસ્ત્ય નંદાની ઇક્કીસ?

24 December, 2025 02:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમિતાભે પોતાના બ્લૉગ દ્વારા ફિલ્મ જોવાનો અનુભવ શૅર કરીને લખ્યું છે

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

અમિતાભ બચ્ચનના દોહિત્ર અગસ્ત્ય નંદાની આગામી ફિલ્મ ‘ઇક્કીસ’ પહેલી જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. હાલમાં અમિતાભે એક સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં આ ફિલ્મ જોઈ અને પછી પોતાના બ્લૉગ પર એનો રિવ્યુ પણ કર્યો છે.

અમિતાભે પોતાના બ્લૉગ દ્વારા ફિલ્મ જોવાનો અનુભવ શૅર કરીને લખ્યું છે કે ‘સ્ક્રીન પર અગસ્ત્યને જોતાં જ મનમાં તેના જન્મથી લઈને મોટા થવા સુધીની ઘણી યાદો એકસાથે તાજી થઈ ગઈ. અગસ્ત્યનો અભિનય પરિપક્વ, સંતુલિત અને સંપૂર્ણ રીતે પાત્રમાં ઢળેલો છે. અગસ્ત્યએ અરુણ ખેત્રપાલના પાત્રને કોઈ બનાવટ વગર ભજવ્યું છે, જે સીધું દિલ સુધી પહોંચે છે. જ્યારે અગસ્ત્ય ફ્રેમમાં હોય છે ત્યારે દર્શકો કોઈ પ્રયાસ વગર ફક્ત તેને જ જોતા રહે છે.’

અમિતાભે પોતાના બ્લૉગમાં જણાવ્યું છે કે તેમનો રિવ્યુ કોઈ પારિવારિક સંબંધનું પરિણામ નહીં પરંતુ એક અનુભવી દર્શકની ઈમાનદાર પ્રતિક્રિયા છે. તેમણે ફિલ્મની વાર્તા, લેખન અને દિગ્દર્શનને બિરદાવતાં કહ્યું કે ફિલ્મ પૂરી થયા બાદ આંખોમાં ગર્વ અને ખુશીનાં આંસુ આવી જાય છે.

agastya nanda amitabh bachchan upcoming movie entertainment news bollywood bollywood news