23 December, 2025 10:22 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
દિવંગત સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેત્રપાલના પરિવારજનો અને તેમના ટૅન્ક-ક્રૂના સન્માનિત પરિવાર સાથે રક્ષાપ્રધાન રાજનાથ સિંહ
અમિતાભ બચ્ચનના દોહિત્ર અગસ્ત્ય નંદાની ‘ઇક્કીસ’ પહેલી જાન્યુઆરીએ રિલીઝ થવાની છે અને હાલમાં દિલ્હી ખાતે ફિલ્મના ખાસ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રક્ષાપ્રધાન રાજનાથ સિંહ પણ હાજર રહ્યા હતા અને તેમણે ફિલ્મના કલાકારો અગસ્ત્ય નંદા તથા જયદીપ અહલાવત સાથે વાતચીત કરી હતી. આ અવસરે રક્ષાપ્રધાને ભારતના દિવંગત સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેત્રપાલને શ્રદ્ધાંજલિ આપીને તેમના પરિવારજનોને સન્માનિત કર્યા.
‘ઇક્કીસ’ના કલાકારો જયદીપ અહલાવત, સિમર ભાટિયા, અગસ્ત્ય નંદા અને અગસ્ત્ય નંદાના પિતા નિખિલ નંદાની સાથે રક્ષાપ્રધાન રાજનાથ સિંહ
આ મુલાકાત વિશે માહિતી આપતાં રક્ષાપ્રધાન રાજનાથ સિંહે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર કેટલીક તસવીરો શૅર કરીને માહિતી આપી હતી કે ‘નવી દિલ્હીમાં ફિલ્મ ‘ઇક્કીસ’ના સ્પેશલ સ્ક્રીનિંગના અવસરે મેં સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેત્રપાલના પરિવારજનો અને તેમના ટૅન્ક-ક્રૂના પરિવારને સન્માનિત કર્યા. અરુણ ખેત્રપાલે ૧૯૭૧ના યુદ્ધમાં વીરતાપૂર્વક લડત આપી હતી અને દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું. ફિલ્મ ‘ઇક્કીસ’ તેમની બહાદુરીને દર્શાવે છે અને આપણાં સશસ્ત્ર દળોના શૌર્યને નમન કરે છે. આ દરમ્યાન ફિલ્મ ‘ઇક્કીસ’ના કલાકારો સાથે પણ મારી ચર્ચા થઈ. હું તેમના ભવિષ્યના પ્રયાસો માટે સફળતાની કામના કરું છું.’