27 April, 2025 08:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇમરાન ખાન, ભૂમિ પેડણેકર
લગભગ એક દાયકા સુધી ફિલ્મોથી દૂર રહેનાર ઇમરાન ખાન હવે બૉલીવુડમાં કમબૅક કરવા તૈયાર થયો છે. ઇમરાન બ્રેક પછી તરત જ ડિરેક્ટર દાનિશ અસલમની ફિલ્મ ‘અધૂરે હમ અધૂરે તુમ’માં જોવા મળશે. આ ફિલ્મમાં ઇમરાન ખાન સાથે ભૂમિ પેડણેકર જોવા મળશે. ગયા અઠવાડિયે આ ફિલ્મનું શૂટિંગ શરૂ થયું છે અને બહુ જલદી ઇમરાન પણ આ શૂટિંગ-શેડ્યુલનો હિસ્સો બનશે. આ ફિલ્મની વાર્તા પ્રેમના ચક્કરમાં પડેલી બે વ્યક્તિની આસપાસ આકાર લે છે. આ વાર્તાને કૉમેડીનો સ્પર્શ આપવામાં આવ્યો છે. ઇમરાન અને ભૂમિની ફિલ્મ ‘અધૂરે હમ અધૂરે તુમ’ OTT પ્લૅટફૉર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. અત્યારના સમયમાં થિયેટરમાં બહુ ઓછી ફિલ્મને સફળતા મળી રહી છે અને એટલે જ મેકર્સે આ ફિલ્મ OTT પર રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મનું શૂટિંગ જુલાઈના અંત સુધી આટોપી લેવામાં આવશે અને પછી ૨૦૨૬ની શરૂઆતમાં એને નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવશે.