22 January, 2026 08:56 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
હોમબાઉન્ડ ઑસ્કર થઈ બહાર
ઑસ્કર 2026 ના નૉમિનેશનની આજે 22 જાન્યુઆરી 2026 ના રોજ જાહેરાત કરવામાં આવી છે. આખી દુનિયાની સાથે ભારત પણ આ નોમિનેશન પર ઉત્સુકતાથી નજર રાખી રહ્યું હતું, પરંતુ આ વખતે ભારતને નિરાશા મળી હોવાના સમાચાર આવ્યા છે. ભારતની સત્તાવાર એન્ટ્રી, `હોમબાઉન્ડ`, બેસ્ટ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ કૅટેગરી રેસમાં હતી પણ તે નામાંકિત ન થઈ 98મા ઍકેડેમી ઍવોર્ડ્સ માટે નામાંકન 22 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવ્યું હતું. ઑસ્કર સમારોહ 15 માર્ચ, 2026 ના રોજ યોજાશે. આ વર્ષે, `ફ્રેન્કેસ્ટાઇન, સિનર્સ` અને `વન બેટલ આફ્ટર અધર` ને સૌથી વધુ નોમિનેશન મળ્યા હતા.
બેસ્ટ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ કૅટેગરીમાં `હોમબાઉન્ડ` માટે ભારતને ઘણી આશા હતી, પરંતુ ફિલ્મ અંતિમ નૉમિનેશન યાદીમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ ગઈ. વધુમાં, ‘કાંતારા ચૅપ્ટર 1,’ ‘તન્વી ધ ગ્રેટ,’ ‘મહાવતાર નરસિંહા,’ અને ‘ટુરિસ્ટ ફૅમિલી’ જેવી ભારતીય ફિલ્મોને પણ કોઈપણ કૅટેગરીમાં નોમિનેશન મળ્યા નથી. આ કૅટેગરીમાં નામાંકિત ફિલ્મોમાં બ્રાઝિલની ‘ધ સિક્રેટ એજન્ટ,’ ફ્રાન્સની ‘ઇટ વોઝ જસ્ટ એન ઍક્સિડેન્ટ,’ નોર્વેની ‘સેન્ટિમેન્ટલ વેલ્યુઝ,’ સ્પેનની ‘સિરાટ’ અને ટ્યુનિશિયાની ‘ધ વોઇસ ઑફ હિન્દ રજબ’નો સમાવેશ થાય છે.
‘હોમબાઉન્ડ’ બહાર થયા પછી, બેસ્ટ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ કૅટેગરીમાં સ્થાન મેળવવા માટે ભારતની લાંબી રાહ ચાલુ છે. આ કૅટેગરીમાં છેલ્લી ભારતીય ફિલ્મ 2002 માં ‘લગાન’ નામાંકિત થઈ હતી.
‘હોમબાઉન્ડ’ કરણ જોહર, અપૂર્વ મહેતા અને આદર પૂનાવાલા દ્વારા ધર્મા પ્રોડક્શનના બૅનર હેઠળ બનાવવામાં આવી છે. આ ફિલ્મનું નિર્દેશન નીરજ ઘાયવાન દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ ન્યૂ યૉર્ક ટાઇમ્સમાં પ્રકાશિત પત્રકાર બશરત પીરના 2020 ના લેખ પર આધારિત છે. આ ફિલ્મમાં વિશાલ જેઠવા, ઇશાન ખટ્ટર અને જાહ્નવી કપૂર અભિનીત છે. આ વાર્તા બે મિત્રો, શોએબ અને ચંદનની આસપાસ ફરે છે, જેઓ હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોમાંથી આવે છે. કોવિડ-૧૯ લોકડાઉન દરમિયાન, તેઓ પોતાની આજીવિકા ગુમાવે છે અને ઘરે પાછા ફરવાનો પ્રયાસ કરતી વખતે અનેક મુશ્કેલીઓનો સામનો કરે છે. આ ફિલ્મ સામાજિક અસમાનતા, આર્થિક કટોકટી અને સંઘર્ષને દર્શાવે છે.
‘હોમબાઉન્ડ’ ફિલ્મ 2025 ના કાન્સ ફિલ્મ ફૅસ્ટિવલના ‘અન સર્ટેન રિગાર્ડ’ વિભાગમાં પ્રીમિયર થઈ હતી, જ્યાં તેને ક્રિટિક્સની ભરપૂર પ્રશંસા મળી હતી. તે ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફૅસ્ટિવલમાં પણ પ્રદર્શિત થઈ હતી, જ્યાં તેને ઇન્ટરનેશનલ ઓડિયન્સ ચોઇસ ઍવોર્ડ માટે બીજા ક્રમે સ્થાન મળ્યું હતું. આમ છતાં, ભારતે હજી સુધી 2026 ના ઑસ્કર માટે નૉમિનેશન મેળવ્યું નથી.