સતીશ શાહ એટલે...: અભિનેતાના નિધન પર સાથી કલાકારોએ જર્ની શૅર કરી આપી શ્રદ્ધાંજલી

25 October, 2025 07:38 PM IST  |  Mumbai | Viren Chhaya

સતીશ શાહ જેવા દિગ્ગજ કલાકારના જીવન બાબતે કેટલીક ખાસ યાદો અને વાતો તેમના સાથી કલાકારો અને મિત્રોએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે શૅર કરી છે અને તેમને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી છે. તો ચાલો જાણીએ સતીશ શાહ બાબતે કેટલીક ખાસ બાબતો.

સતીશ શાહ

ગુજરાતી, બૉલિવૂડ ફિલ્મો તેમ જ ‘સારાભાઈ વર્સેસ સારાભાઈ’ તેમ જ ‘ફિલ્મી ચક્કર’ જેવી અનેક ટીવી સિરિયલોમાં કામ કરનાર દિગ્ગજ અભિનેતા સતીશ શાહના નિધનથી મનોરંજન ઈન્ડસ્ટ્રી શોકમાં છે. સતીશ શાહે ભજવેલું ઇન્દ્રવદન સારાભાઈ હોય કે પછી બીજી ફિલ્મોમાં કરેલા બીજા પાત્રો તે આજે પણ ફિલ્મમાં એક પોતાની અલગ છાપ છોડી જાય છે. આ દિગ્ગજ કલાકારના જીવન બાબતે કેટલીક ખાસ યાદો અને વાતો તેમના સાથી કલાકારો અને મિત્રોએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે શૅર કરી છે અને તેમને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી છે. તો ચાલો જાણીએ સતીશ શાહ બાબતે કેટલીક બાબતો.

ગુજરાતીઓનું ગૌરવ કહેવાય સતીશ શાહ: સંજય છેલ

સતીશ શાહના નિધન પર ડિરેક્ટર અને રાઇટર સંજય છેલ કહે છે “મેં મારા કરિયરની શરૂઆત કરી તે ટીવી શો ‘ફિલ્મી ચક્કર’ સાથે અને તેમાં પણ સતીશ શાહ જેવા કલાકાર હોય તે તો મારી માટે સારા ભાગ્યની વાત. સતીશભાઈ સાથે કામ કરવું એવું કે મારી પહેલી જ સિરિયલ તેમના લીધે એક સારી કૉમેડી તરીકે યાદગાર બની. સતીશભાઈનું સેન્સ ઑફ હુમર એટલે એકદમ અદ્ભુત. શોની સ્ક્રીપ્ટ હોય કે પછી સેટ પર સીન કેવી રીતે કરવો કે તેમાં હજી શું ઉમેરી શકાય કે બદલી શકાય તે અંગે સપોર્ટ કરવામાં મોખરે રહેતા.” “મેં સતીશ શાહ જેટલા આનંદી જીવ ક્યાં જોયા નથી, તેઓ જ્યારે પણ સેટ પર હોય તો આખું વાતાવરણ ખીલી ઊઠે. તેમની સાથેની યાદો તો ઘણી છે પણ આજે તેમના નિધનનું દુઃખ છે કારણ કે હું આજે જે પણ છું તેમાં સતીશભાઈનો પણ હાથ છે, એમ હું કહીં શકું,” એમ સંજય છેલે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવ્યું.

ખૂબ જ ઝિંદાદિલ માણસ: આતિશ કાપડિયા

‘સારાભાઇ વર્સેસ સારાભાઇ’ ટીવી શોના ડિરેક્ટર અને ફિલ્મ પ્રોડ્યુસર આતિશ કાપડિયાએ સતીશ શાહ સાથેની તેમની એક ખાસ યાદ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે શૅર કરી હતી. તેમણે કહ્યું “સતીશભાઈ એટલે અમારા પાર્ટીના ચીફ ગેસ્ટ. સાંજે છ વાગ્યે શૂટિંગ પતાવીને નાનકડી પાર્ટી કરીયે એવો પ્લાન બને તો સતીશભાઈ પણ કહે આજે હું પણ નહીં જાઉં. સેટ પર પાર્ટી થાય તો તેમના ઘરેથી બરફથી લઈને જમવાનું બધુ જ તેઓ મગાવે. તેમની સાથે કામ હોય કે પછી કોઈ મુલાકાત દરેક દિવસ મારી માટે એક ટ્રીટ જેવો હતો. ઇન્દ્રવદન સારાભાઈ સતીશ ભાઈએ ભજવેલું આ પાત્ર મારી માટે ખાસ છે. તેઓ મારી માટે છે અને હંમેશા રહેશે અને તો મારી માટે એક સિનિયર કલીગ કરતાં વધુ એક સારા મિત્ર છે.”

satish shah television news indian television celebrity death bollywood buzz bollywood news bollywood entertainment news