ઈશાનને મળી ભારતીય સેનાની પ્રતિષ્ઠિત ૪૫ કૅવલરી રેજિમેન્ટની માનદ સભ્યતા

19 May, 2026 10:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઍક્ટરને આ માનદ ઉપાધિ તેની ૨૦૨૩ની ફિલ્મ પિપ્પામાં તેણે કરેલા શાનદાર અભિનય માટે આપવામાં આવી છે

ઈશાને શૅર કરેલી તસવીરોમાં તે સેનાના અધિકારીઓ સાથે જોવા મળે છે

હાલમાં ઈશાન ખટ્ટરને ભારતીય સેનાની પ્રતિષ્ઠિત ૪૫ કૅવલરી રેજિમેન્ટની માનદ સભ્યતા આપવામાં આવી છે. આ સન્માન ખૂબ ઓછા લોકોને મળે છે અને એને અત્યંત ગૌરવપૂર્ણ માનવામાં આવે છે. ઈશાને આ ખાસ ક્ષણની તસવીરો અને વિડિયો સોશ્યલ મીડિયામાં શૅર કર્યાં છે. ઈશાનને આ માનદ ઉપાધિ તેની ૨૦૨૩માં આવેલી ફિલ્મ ‘પિપ્પા’માં તેણે કરેલા શાનદાર અભિનય માટે આપવામાં આવી છે. આ ફિલ્મ ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પર આધારિત છે. ‘પિપ્પા’ એક બાયોપિક ફિલ્મ હતી, જેમાં ઈશાને ૪૫ કૅવલરી રેજિમેન્ટના કૅપ્ટન બલરામ સિંહ મેહતાનું પાત્ર ભજવ્યું હતું. સામાન્ય રીતે આવી માનદ સભ્યતા એવા લોકોને આપવામાં આવે છે જેમણે દેશ, સમાજ અથવા સેનાના ગૌરવમાં વિશેષ યોગદાન આપ્યું હોય. એમાં મોટા સૈનિક અધિકારીઓ, જાણીતી હસ્તીઓ અને સમાજના પ્રતિષ્ઠિત લોકોનો સમાવેશ થાય છે.

ઈશાને શૅર કરેલી તસવીરોમાં તે સેનાના અધિકારીઓ સાથે જોવા મળે છે. આ તસવીરો શૅર કરતાં ઇશાને લખ્યું, ‘ઇન્ડિયન આર્મર્ડ કૉર્ઝની ૪૫ કૅવલરીની માનદ સભ્યતા મળવી મારા જીવનનું સૌથી મોટું સન્માન છે. હવે હું ગર્વથી એને મારી રેજિમેન્ટ કહી શકું છું. ભારતીય સેનાના બહાદુર જવાનો સાથે જોડાવું મારા માટે સપનું સાકાર થવા જેવું છે. મારું જીવન હંમેશાં સેનાની દુનિયાથી ઘણું અલગ રહ્યું છે. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે એક દિવસ મને ભારતીય સેના તરફથી આવું ગૌરવ મળશે. આ અનુભવ મારા માટે ખૂબ ખાસ છે.’

ઈશાને ‘પિપ્પા’નો ઉલ્લેખ કરતાં કહ્યું  કે ‘આ ફિલ્મમાં મેં એક સૈનિકનું પાત્ર ભજવ્યું હતું અને એ ભૂમિકાને સંપૂર્ણ સચ્ચાઈ અને ઈમાનદારીથી પડદા પર ઉતારવાનો પ્રયત્ન કર્યો હતો. એક કલાકાર તરીકે મેં મારું શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કર્યો અને કદાચ એ જ મહેનતના કારણે મને આ ખાસ સન્માન મળ્યું છે. આ સન્માન મને આખી જિંદગી પ્રેરણા આપતું રહેશે. હવે હું દરેક પાત્રમાં વધુ મહેનત સાથે કામ કરીશ. સેનાના અધિકારીઓ સાથે વિતાવેલી આ સાંજ મારા માટે હંમેશાં યાદગાર રહેશે. જય હિન્દ.’

૪૫ કૅવલરી રેજિમેન્ટનું સેનામાં મહત્ત્વ

ભારતીય સેનાની ૪૫ કૅવલરી રેજિમેન્ટ દેશની સૌથી પ્રતિષ્ઠિત આર્મર્ડ રેજિમેન્ટ્સમાંની એક ગણાય છે. આ રેજિમેન્ટ પોતાની બહાદુરી, અનુશાસન અને યુદ્ધકૌશલ્ય માટે જાણીતી છે. જૂના જમાનામાં ‘કૅવલરી’ એટલે ઘોડેસવાર સૈનિકોની ટુકડી. બીજા વિશ્વયુદ્ધ પછી ઘોડાઓનું સ્થાન ટૅન્ક અને સશસ્ત્ર વાહનોએ લઈ લીધું છે. જોકે પરંપરા જાળવી રાખવા માટે આજે પણ એને ‘કૅવલરી’ કહેવામાં આવે છે, પરંતુ તેઓ હવે લડાઈમાં ઘોડાને બદલે શક્તિશાળી ટૅન્કોનો ઉપયોગ કરે છે. આ રેજિમેન્ટની સ્થાપના ૧ એપ્રિલ ૧૯૪૧ના દિવસે મેરઠમાં કરવામાં આવી હતી. બીજા વિશ્વયુદ્ધ પછી ૧૯૪૬માં એને વિખેરી નાખવામાં આવી હતી. આ પછી ૧૯૬૬ની ૧૬ મેએ હરિયાણાના હિસાર ખાતે આ રેજિમેન્ટને ફરીથી સક્રિય કરવામાં આવી હતી. આ રેજિમેન્ટનું સૌથી મોટું શૌર્ય ૧૯૭૧ના પાકિસ્તાન સામેના યુદ્ધમાં જોવા મળ્યું હતું. આ યુદ્ધમાં ગરીબપુરની લડાઈમાં ૪૫ કૅવલરીએ પાકિસ્તાનની શ્રેષ્ઠ ગણાતી ૧૪ ‘શેફી’ ટૅન્કોને લડત આપી હતી અને એમાંથી ૧૩ ટૅન્કોનો નાશ કર્યો હતો.

ishaan khattar indian army indian films entertainment news bollywood bollywood news