22 November, 2026 09:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હેલેન અને જૅકી શ્રોફ
જૅકી શ્રોફે શનિવારે પીઢ અભિનેત્રી અને ડાન્સર હેલનને તેમની ૮૮મી વર્ષગાંઠ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. જૅકી શ્રોફે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર હેલનના ફોટોગ્રાફ્સનો એક મોન્ટાઝ એટલે કે ચિત્રમાળા શૅર કરી હતી.
આ મોન્ટાઝમાં મુખ્યત્વે હિન્દી સિનેમાના સુવર્ણ યુગના બ્લૅક-ઍન્ડ-વાઇટ ફોટોગ્રાફ્સ સામેલ છે જેમાં હેલનના વિવિધ ક્લાસિક લુક્સ જોવા મળે છે. આ યાદોને વધુ તાજી કરવા માટે જૅકી શ્રોફે તસવીરો સાથે એવરગ્રીન ગીત ‘ઓ હસીના ઝુલ્ફોંવાલી જાને જહાં’નો ઉપયોગ કર્યો છે. ૧૯૬૬ની ફિલ્મ ‘તીસરી મંઝિલ’નું આ ગીત આશા ભોસલે અને મોહમ્મદ રફીએ ગાયું હતું અને એનું સંગીત આર. ડી. બર્મને આપ્યું હતું.
હેલને ‘હાવડા બ્રિજ’ના ‘મેરા નામ ચિન ચિન ચૂ’ જેવા બ્લૉકબસ્ટર ગીતથી કારકિર્દીમાં સફળતાનાં શિખરો સર કર્યાં હતાં. ત્યાર બાદ ‘કારવાં’નું ‘પિયા તૂ અબ તો આજા’, ‘ડૉન’નું ‘યે મેરા દિલ યાર કા દીવાના’ અને ‘ઇન્તકામ’નું ‘આ જાને-જાં’ જેવાં ગીતોમાં તેમના પર્ફોર્મન્સે તેમને બૉલીવુડનાં સર્વશ્રેષ્ઠ કૅબરે અને ડાન્સ આઇકૉન તરીકે સ્થાપિત કર્યાં હતાં. રંગૂનમાં હેલન ઍન રિચર્ડસન તરીકે જન્મેલાં હેલને ૧૯૫૦ના દાયકાની શરૂઆતમાં ગ્રુપ-ડાન્સર તરીકે કારકિર્દી શરૂ કરી હતી અને ત્યાર બાદ સોલો પર્ફોર્મન્સ તરફ આગળ વધ્યાં હતાં. તેમને મોટી સફળતા ૧૯૫૮માં માત્ર ૧૯ વર્ષની ઉંમરે ‘હાવડા બ્રિજ’ના ‘મેરા નામ ચિન ચિન ચૂ’ ગીતથી મળી હતી.
સાત દાયકાથી વધુની કારકિર્દીમાં હેલને ૫૦૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. નૃત્ય ઉપરાંત હેલને એક અભિનેત્રી તરીકે પણ પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી. હેલને ‘તીસરી મંઝિલ’, ‘જ્વેલ થીફ’, ‘ઇન્તકામ’, ‘કારવાં’, ‘ગુમનામ’, ‘શોલે’, ‘ડૉન’, ‘લહૂ કે દો રંગ’, ‘રામ બલરામ’ અને ‘વો કૌન થી?’ સહિતની ફિલ્મોમાં અભિનય કર્યો હતો. ઇન્ડિયન સિનેમામાં તેમના યોગદાન બદલ હેલનને ૨૦૦૯માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
સલીમ ખાન સાથે બીજાં લગ્ન
અંગત જીવનની વાત કરીએ તો હેલનનાં પ્રથમ લગ્ન ૧૯૫૭માં ફિલ્મમેકર પ્રેમ નારાયણ અરોરા સાથે થયાં હતાં, જેનો ૧૯૭૪માં છૂટાછેડા સાથે અંત આવ્યો હતો. ત્યાર બાદ હેલને ૧૯૮૧માં સ્ક્રીનરાઇટર સલીમ ખાન સાથે લગ્ન કર્યાં હતાં. સલીમ ખાન અગાઉથી જ સલમા ખાન સાથે પરિણીત હતા અને તેમને સલમાન ખાન, અરબાઝ ખાન, સોહેલ ખાન અને અલવીરા ખાન એમ ચાર સંતાનો હતાં. હેલન ખાન પરિવારનો એક પ્રિય હિસ્સો બની ગયાં હતાં અને ખાન પરિવારનાં બાળકો તેમને પ્રેમથી હેલન આન્ટી કહીને બોલાવે છે.