✕

શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંઝિલ પર મને રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ

27 September, 2026 06:21 PM IST  |  Mumbai | Rajani Mehta

‘હનુમાન અંશ’ની સફળતાની ચર્ચા વચ્ચે ૫૦ વર્ષ પહેલાંની ‘જય સંતોષી મા’ની અણધારી સફળતાની વાત. માત્ર ઓછા બજેટમાં બનેલી આ ધાર્મિક ફિલ્મ પાછળ સંતરામ બોહરા, સી. અર્જુન અને કવિ પ્રદીપની મહત્ત્વની ભૂમિકા રહી હતી.

કવિ પ્રદીપ

અનુભવીઓ એમ કહે છે કે ‘જીવન એક જુગાર છે.’ એ વાત કેટલી સાચી કે ખોટી એ ખબર નથી; પરંતુ દુનિયાભરના ફિલ્મમેકર્સ એક વાતનો સ્વીકાર કરે છે કે ફિલ્મ બનાવવી કે જુગાર રમવો એમાં કોઈ ફરક નથી, બન્નેમાં તમે કુશળ હો એ જરૂરી છે. તમે દરેક વખતે જીતવાનો પ્રયત્ન કરતા જ હો છો. એમ છતાં એવું બને કે તમારા હાથમાં હુકમનો એક્કો હોય અને તમે હારી જાઓ અને જો તમારું નસીબ જોર કરતું હોય તો સામે રમતા મહારથીઓને હંફાવીને તમે હારેલી બાજી જીતી જાઓ છો. 
આવું જ કંઈક હાલમાં ફિલ્મ ‘હનુમાન અંશ’ સાથે થયું. કેવળ બે કરોડના (તાણીતૂસીને ભેગા કરેલા) બજેટમાં બનેલી, કોઈ પણ જાતની પબ્લિસિટી વિના જાણીતા તો શું નાછૂટકે અભિનેતા બનેલા કલાકાર અને અજાણ્યા સંગીતકાર સાથે બનેલી ફિલ્મ આજે ૩૨૫ કરોડથી વધુની કમાણી કર્યા પછી પણ હાઉસફુલ જાય છે. 
રોજેરોજ આ ફિલ્મની પડદા પાછળની વાતોના અનેક કિસ્સાઓ બહાર આવી રહ્યા છે. એની સફળતા માટે કયાં કારણો જવાબદાર છે એની વાત નથી કરવી, કારણ કે એ ચર્ચા માટે પાનના ગલ્લાથી લઈને ટીવીની ચૅનલો અને સોશ્યલ મીડિયાનાં પ્લૅટફૉર્મ્સ એકમેક સાથે હરીફાઈ કરી રહ્યાં છે. એની સફળતાના મૂળમાં છે શ્રદ્ધા અને ઈમાનદારી. ગની દહીંવાલાની પંક્તિ યાદ આવે છે... 
શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંઝિલ પર મને 
રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ 
આજે વાત કરવી છે એવી જ એક ફિલ્મની જેણે ‘હનુમાન અંશ’ની જેમ જ ૫૦ વર્ષ પહેલાં અણધારી સફળતા મેળવીને ખૂબ કમાણી કરી હતી. ‘ટૉક્સિક’ની જેમ એ ફિલ્મે ‘શોલે’ અને ‘દીવાર’ જેવી ‘બ્લૉક બસ્ટર’ ફિલ્મનો સામનો કરવાનો હતો. જી હા, હું વાત કરું છું ફિલ્મ ‘જય સંતોષી મા’ની. ફરક ફક્ત એટલો છે કે સફળતા અને નફાની દૃષ્ટિએ ‘હનુમાન અંશ’ની સામે ‘ટૉક્સિક’ ઊંધા માથે પછડાઈ છે, જ્યારે ‘જય સંતોષી મા’ની સામે ‘દીવાર’ અને ખાસ કરીને ‘શોલે’એ અઢળક કમાણી કરી હતી. 
આ ફિલ્મ કેવી રીતે બની એની વાત કરતાં ફિલ્મના સંગીતકાર (અર્જુન ચેલારામાણી) સી. અર્જુન કહે છે... 
મારો એક મિત્ર છે સંતરામ બોહરા. અમે બન્ને સિંધી. તે ફિલ્મોનો શોખીન. એની ચમકદમકથી અંજાઈને ફિલ્મ બનાવવાનાં સપનાં જુએ. મૂળ તો કારકુન તરીકે એસ્ટેટ એજન્ટને ત્યાં નોકરી કરે, પણ વાતો મોટી કરે. કોઈની પાસેથી ફાઇનૅન્સ લઈને એક સિંધી ફિલ્મ બનાવી જે ફ્લૉપ ગઈ, ખૂબ નુકસાન થયું; પણ ફિલ્મનું ભૂત ઊતર્યું નહોતું. 
એક દિવસ કહે કે મારે હિન્દી ફિલ્મ બનાવવી છે, નામ રાખ્યું છે ‘જય સંતોષી મા’, તારે સંગીત આપવાનું છે; ગીતકાર તરીકે કવિ પ્રદીપને લેવા છે, ધાર્મિક ફિલ્મોમાં તેમનાં ગીત બહુ હિટ જાય છે; આ લાઇનમાં હું કોઈને ઓળખતો નથી, તેમને સાઇન કરવાની જવાબદારી તારી; પણ હા, આપણું બજેટ સાવ ઓછું છે એનો ખ્યાલ રાખજે.
પ્રદીપજીને આ પહેલાં હું કદી મળ્યો નહોતો. હા, તેમના કામ અને નામથી પરિચિત હતો. વિલે પાર્લેમાં એસ. વી. રોડ પર તેમના બંગલા ‘પંચામૃત’માં મળવા ગયો ત્યારે મનમાં થોડો ડર હતો કે મારા જેવા નવા નિશાળિયાને કેવો રિસ્પૉન્સ આપશે. તેમના ઘરે પહોંચીને ડ્રૉઇંગરૂમમાં રાહ જોતો હતો. થોડી વારમાં તેઓ આવ્યા અને સ્વાગત કરતા બોલ્યા, આવો, આપનું શુભ નામ?
હું સી. અર્જુન, સંગીતકાર છું, પહેલાં (સંગીતકાર) બુલો સી. રાનીનો અસિસ્ટન્ટ હતો. મારા મનમાં હતું કે બુલો સી. રાનીએ સ્વરબદ્ધ કરેલાં ફિલ્મ ‘જોગન’નાં (દિલીપ કુમાર, નર્ગિસ) ગીતો પ્રદીપજીએ સાંભળ્યાં જ હશે એટલે એ જ મારો સાચો પરિચય બનશે. તેમણે કહ્યું, આઈએ, અંદર બૈઠ કે બાતેં કરતે હૈં.
મેં અંદર જતાં જ તેમના પગ પકડીને વિનંતી કરી કે મને એક ફિલ્મ મળી છે અને આપે ગીત લખવાનાં છે, મુશ્કેલી એ છે કે પ્રોડ્યુસર નવો છે એટલે આપને પૂરી કિંમત નહીં આપી શકે, આપ ગીત લખશો તો ફિલ્મની વૅલ્યુ વધશે અને મને પણ બીજાં કામ મળશે, મારી કરીઅર માટે આ ફિલ્મ ખૂબ અગત્યની છે; પ્લીઝ, ના ન પાડતા.
આ સાંભળીને પ્રદીપજી બોલ્યા, એ બધી વાત ઠીક છે; પણ પ્રોડ્યુસર કોણ છે, ફિલ્મ શેના વિશે છે, સ્ટોરીલાઇન શું છે, મને એ તો વાત કરો.
મેં કહ્યું, મારો મિત્ર સંતરામ બોહરા ફિલ્મનો પ્રોડ્યુસર છે, સ્ટોરીલાઇન મને ખબર નથી, હું તેને આપની પાસે મોકલું છું, આપ બધી વાત કરી લેજો; બસ, હા પાડજો, આ ફિલ્મ મારા માટે લાઇફલાઇન જેવી છે, આપનો ઉપકાર કદી નહીં ભૂલું.
પ્રદીપજી બોલ્યા, ભલે, તેને મારી પાસે મોકલો, બાકીની વાત પછી જોઈ લઈશું.
lll
આગળ શું થયું એ વાત કરતાં પહેલાં આ ફિલ્મનું પ્લાનિંગ કેવી રીતે થયું એ જાણવું જરૂરી છે. કેદારનાથ અગરવાલ નામના મોટા વેપારીના ઘરે લાંબા સમય સુધી પારણું નહોતું બંધાયું. વર્ષો વીતી ગયાં. અનેક પાઠપૂજા કરી, માનતા માની પણ પરિણામ શૂન્ય. છેવટે કોઈના કહેવાથી સંતોષી માનું વ્રત રાખ્યું અને પુત્રીનો જન્મ થયો. એટલે તેમણે નક્કી કર્યું કે ફિલ્મ બનાવવી છે, ભલે નફો થાય કે ન થાય. 
કવિ પ્રદીપજીનાં પુત્રી મિતુલબહેન મારી સાથે વાત કરતાં કહે છે - 
સંતરામ બોહરા એક એસ્ટેટમાં ભાડું ઉઘરાવવાનું કામ કરતા હતા. તેમણે એક ફ્લૉપ સિંધી ફિલ્મ બનાવી. એ સિવાય ફિલ્મલાઇનનો કોઈ અનુભવ નહોતો. બાપુને નવાઈ લાગી કે આવા માણસો પણ ફિલ્મ બનાવવાનું સાહસ કરે છે. તે ઘરે આવ્યા ત્યારે બાપુએ તેમને કહ્યું કે અનેક દેવીઓ, માઓ વિશે સાંભળ્યું છે; પણ સંતોષી મા વિશે કશું સાંભળ્યું નથી. ત્યારે તેમણે કેદારનાથ અગરવાલની વાત કરી. બાપુએ કહ્યું કે મને લાગે છે કે તમારા ઘરે પણ પારણું નહીં બંધાયું હોય, બાકી આવી ફિલ્મ કોણ હાથમાં લે? બાપુની વાત સાચી નીકળી.
બન્ને બાપુના રૂમમાં વાત કરતા હતા. એ દિવસોમાં ઘરમાં ઍર-કન્ડિશર નહોતું એટલે બારી-બારણાં ખુલ્લાં જ હોય. બહારના ટ્રાફિકનો અવાજ આવે એટલે વાતચીત સાંભળવામાં થોડી તકલીફ પડે. સંતરામે ભોળા ભાવે પૂછ્યું, ઍર-કન્ડિશનર નખાવી લોને? બાપુએ પોતાની ટિપિકલ સ્ટાઇલમાં કહ્યું, આ લાઇનમાં ગીતકારને જે આવક થાય એમાં પંખો જ પોસાય, ઍર-કન્ડિશનર નહીં. આમ પણ બાપુ ખોટા ખર્ચમાં માનતા નહીં. સંતરામ બોલ્યા, જો મારી ફિલ્મ હિટ જશે તો આ રૂમમાં ઍર-કન્ડિશનર ફિટ કરાવી આપીશ, મારું પ્રૉમિસ છે.
બાપુને ખબર હતી. આ લાઇનમાં લોકો સમય આવતાં બધું ભૂલી જાય છે. તેમણે હસતાં-હસતાં કહ્યું, ઠીક છે, પ્રૉમિસ ભૂલતા નહીં; ચિંતા ન કરો, હું ગીત લખીશ, મને વાર્તા આપો. 
સંતરામે કહ્યું, એક યુવાન લેખક છે. તમને મળવા આવશે.
બે દિવસ પછી ૨૫-૨૭ વર્ષનો એક યુવાન આવ્યો. તેનું નામ હતું પ્રિયદર્શી. તેણે બાપુને એક લાલ-પીળા પૂંઠાંવાળી ૨૫-૩૦ પાનાંની ગુજરાતી ચોપડી આપી. એનું નામ હતું ‘સંતોષી માતાનું વ્રત’. કહે, જે કંઈ છે એ આ છે, આમાંથી આપણે આગળ વધવાનું છે; બસ, મને એટલી ખબર છે કે એવી માન્યતા છે કે સંતોષી મા ગણેશજીનાં માનસપુત્રી હતાં.
lll
મેં મિતુલબહેનને પ્રશ્ન કર્યો, ‘પ્રદીપજી વાર્તાની બાબતમાં ખૂબ ચૂઝી હતા. આવી વાતો સાંભળ્યા પછી પણ તેમણે હા કેમ પાડી?’
મને લાગે છે કે સી. અર્જુનની વિનંતી, સંતરામ બોહરાનો આગ્રહ અને પ્રિયદર્શીની ટૅલન્ટ જોઈને તેમણે હા પાડી હશે; તેમના માટે કદાચ આ નવી ચૅલેન્જ હશે; એ ઉપરાંત તેમનો સ્વભાવ એવો કે બને ત્યાં સુધી લોકોને મદદરૂપ થવું, પૈસાને બહુ મહત્ત્વ ન આપવું આટલું કહેતાં મિતુલબહેન આગળ કહે છે, ‘બાપુ અને પ્રિયદર્શી દરરોજ મળીને ફિલ્મની વાર્તાને આકાર આપતા ગયા. ધાર્મિક ફિલ્મોમાં જે કોઈ લોકપ્રિય સિચુએશન હોય ત્યાં ગીતની સંભાવના હોય એવાં દૃશ્યોની ગૂંથણી કરવામાં આવી. પ્રેક્ષકોને ગમતાં પાત્રો અને તહેવારોને વાર્તામાં સાંકળી લેવાયાં. નારદમુનિ, લક્ષ્મીદેવી, ઇંદ્રાણીદેવીનાં પાત્રો ઉમેર્યાં. આમ એક સરસ ધાર્મિક કથા લખવામાં આવી જેમાં સંતોષી માના ભક્તોને કોઈ પણ કપરી સ્થિતિમાં ઊની આંચ નથી આવતી એવાં દૃશ્યો લખવામાં આવ્યાં.’ 
જ્યારે ફિલ્મનું શૂટિંગ શરૂ થયું ત્યારે સર્જકોને શું, કોઈને ખબર નહોતી કે આ ફિલ્મ એક ‘કલ્ટ ફિલ્મ’ બની જશે. એના સંગીતે અનેક નવા રેકૉર્ડ સ્થાપિત કર્યા. એ વાત આવતા રવિવારે.

-રજની મહેતા

entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood