01 December, 2025 12:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જયા બચ્ચન
જયા બચ્ચનની ફોટોગ્રાફર્સ પ્રત્યેની નારાજગી બહુ જાણીતી છે. તેઓ ઘણી વખત તેમના પ્રત્યેનો ગુસ્સો જાહેરમાં વ્યક્ત કરી ચૂક્યાં છે. જોકે હાલમાં એક ઇવેન્ટમાં જયા બચ્ચને ખુલાસો કર્યો છે કે તેઓ આખરે ફોટોગ્રાફર્સથી કેમ ચિડાય છે. તેમણે કહ્યું હતું કે ફોટો માટે પડાપડી કરતા ફોટોગ્રાફર્સને તેઓ ‘મીડિયા પર્સનાલિટી’ માનતા જ નથી. જયાએ સ્પષ્ટતા કરી હતી કે મીડિયા પ્રત્યે તેમના દિલમાં અત્યંત માન છે, કારણ કે તેમના પપ્પા પોતે પત્રકાર હતા પરંતુ આ ફોટોગ્રાફર્સ તેમને ખટકે છે.
જયાએ ફોટોગ્રાફર્સની ‘ઉંદરડા’ સાથે સરખામણી કરતાં કહ્યું હતું કે તેઓ ઉંદરની જેમ ગંદાં કપડાં, ટાઇટ પૅન્ટ અને મોબાઇલ લઈને કોઈની પણ પ્રાઇવસીમાં ઘૂસી જાય છે. તેમણે આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું કે આ લોકો કોણ છે, તેમનું શિક્ષણ શું છે અને શું તેઓ મીડિયાનું પ્રતિનિધિત્વ કરે છે?
એ પછી જયાએ ઍરપોર્ટ પર ફોટો ક્લિક કરવા માટે ફોટોગ્રાફર્સને બોલાવતા યંગ સેલિબ્રિટીઝની પણ ટીકા કરતાં કહ્યું હતું કે જો તમારે લોકોને બોલાવીને ફોટો પડાવવા પડે તો તમે કેવા સેલિબ્રિટી છો?