જિતેન્દ્રએ ૪.૨૫ લાખ રૂપિયામાં ખરીદેલા અપશુકનિયાળ બંગલાની વૅલ્યુ થઈ ગઈ છે ૪૫૦ કરોડ રૂપિયા

24 July, 2026 12:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જિતેન્દ્રે ખુલાસો કર્યો કે પાલી હિલમાં 4.25 લાખ રૂપિયામાં ખરીદેલો બંગલો તેમને અપશુકનિયાળ લાગતો હતો, કારણ કે તેને ખરીદ્યા બાદ તેમની ફિલ્મો સતત ફ્લોપ થવા લાગી હતી. આજે એ જ મિલકતની કિંમત અંદાજે 450 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

જિતેન્દ્ર

બૉલીવુડમાં જિતેન્દ્રની ગણતરી સફળ ઍક્ટર્સમાં થાય છે. હાલમાં જિતેન્દ્રએ પોતાના એક એવા બંગલા વિશે ખુલાસો કર્યો છે જેને તેઓ અપશુકનિયાળ માનતા હતા. ખાસ વાત એ છે કે આ બંગલો તેમણે માત્ર ૪.૨૫ લાખ રૂપિયામાં ખરીદ્યો હતો, જ્યારે આજે એની કિંમત અંદાજે ૪૫૦ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. હાલમાં જિતેન્દ્રએ આ બંગલો ખરીદવાની અને પછી એને છોડવાની આખી વાત વિગતે જણાવી હતી. 
આ બંગલો ખરીદવાના ઘટનાક્રમ વિશે વાત કરતાં જિતેન્દ્રએ કહ્યું કે ‘જ્યારે કોઈ ફિલ્મ-કલાકાર મુંબઈમાં આવે છે ત્યારે તેનું એક મોટું સપનું હોય છે કે આ શહેરમાં તેનું પોતાનું ઘર હોવું જોઈએ. સંઘર્ષના દિવસોમાં હું મારા પરિવાર સાથે ગિરગાંવ વિસ્તારમાં આવેલી એક ચાલીમાં રહેતો હતો. અહીં અમે ૮ લોકો એકસાથે રહેતા હતા. જ્યારે મારી ફિલ્મો સફળ થવા લાગી ત્યારે મારા મનમાં માત્ર એક જ વિચાર હતો કે હવે પોતાનું ઘર લેવું જોઈએ. એ દરમ્યાન મને ખબર પડી કે ‘બૈજુ બાવરા’ જેવી ફિલ્મો માટે જાણીતા અભિનેતા ભારત ભૂષણ પોતાનો બંગલો વેચી રહ્યા છે. મધ્યમવર્ગીય પરિવારમાં ઊછરેલી અને નાના ઘરમાં રહેતી વ્યક્તિ માટે બંગલો ખરીદવો ખૂબ મોટી વાત હતી. પાલી હિલ વિસ્તારમાં આવેલો આ બંગલો ભારત ભૂષણ પોતાની આર્થિક મુશ્કેલીઓના કારણે વેચવા માગતા હતા. મેં આ બંગલો ૪.૨૫ લાખ રૂપિયામાં ખરીદી લીધો. જોકે બંગલો ખરીદ્યા પછી મારી ફિલ્મો એક પછી એક ફ્લૉપ થવા લાગી જેના કારણે મને લાગવા લાગ્યું કે આ બંગલો મારા માટે અશુભ છે. આ કારણે મેં ત્યાં રહેવાનું બંધ કરી દીધું. બાદમાં કોઈએ મને ઘરનું રીડેવલપમેન્ટ કરાવવાની સલાહ આપી અને મને એ ગમી પણ ગઈ. આ સમયે બંગલામાં રહેલા જૂના બર્મા અને ટીક લાકડાના ફર્નિચરને વેચ્યા બાદ મને ૧૧.૫૦ લાખ રૂપિયાથી વધુની રકમ મળી હતી. આ પછી મેં આ પ્રૉપર્ટી પર ગૌતમ અપાર્ટમેન્ટ્સ નામનું બિલ્ડિંગ બનાવ્યું. જ્યારે આ મિલકતનો સોદો થયો હતો ત્યારે એમાં અંદાજે ૩૪૫૦ સ્ક્વેર ફુટનો પ્લૉટ પણ સામેલ હતો. આજે એ જ મિલકતની કિંમત અંદાજે ૪૫૦ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ હોવાનું માનવામાં આવે છે.’

jeetendra entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood gossips bollywood events bollywood