21 January, 2026 11:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સેલિબ્રિટી ફિટનેસ ટ્રેઇનર વિનોદ ચન્ના સાથે
બૉલીવુડના સ્ટાર્સ પોતાની ફિટનેસ, ડાયટ અને લાઇફસ્ટાઇલને લઈને ખૂબ જ સજાગ રહે છે. તાજેતરમાં જાણીતા સેલિબ્રિટી ફિટનેસ ટ્રેઇનર વિનોદ ચન્નાએ જૉન એબ્રાહમના સંયમિત ડાયટ વિશે વાત કરતાં કહ્યું છે કે તેણે વર્ષોથી ખાંડને હાથ પણ લગાવ્યો નથી.
હાલમાં એક ઇન્ટરવ્યુમાં વિનોદ ચન્નાએ જૉનની ફિટનેસ જર્ની વિશે વાત કરતાં જણાવ્યું કે તે કોઈ પણ સંજોગોમાં પોતાની ડાયટ તોડતો નથી. તેમણે કહ્યું કે જો ટ્રેઇનર પણ તેને ગળ્યું ખાવાની સલાહ આપે તો પણ જૉન ખાંડથી દૂર જ રહે છે. જૉનના ખાન-પાન વિશે વિનોદે કહ્યું છે કે ‘જૉન અત્યંત અનુશાસિત વ્યક્તિ છે. જો હું તેને કહું કે તમારે ફક્ત ચાર પ્રકારનો જ ખોરાક ખાવાનો છે તો તે મહિનાઓ સુધી એ જ ચાર વસ્તુઓ ખાશે અને બીજી કોઈ વસ્તુને હાથ પણ નહીં લગાવે. તે પોતાની ડાયટને લઈને ખૂબ જ સ્ટ્રિક્ટ છે.’
જૉનની ડાયટ વિશે વાત કરતાં વિનોદે કહ્યું છે કે ‘જૉન વર્ષોથી ખાંડ નથી ખાતો. હું તેને સલાહ આપું છું કે ખાંડને સંપૂર્ણપણે છોડવી હંમેશાં યોગ્ય નથી, કારણ કે જો ભૂલથી ક્યારેક એ ખાઈ લેવામાં આવે તો શરીર પ્રતિક્રિયા આપી શકે છે. જૉન એટલા લાંબા સમયથી કડક ડાયટ ફૉલો કરી રહ્યા છે કે હવે જો અચાનક તેને રીંગણાં કે ભીંડા જેવી સામાન્ય શાકભાજી પણ આપી દેવામાં આવે તો એ પણ તેને પચતી નથી. તેણે વર્ષોથી આ વસ્તુઓ ખાધી નથી. શરીરને એક રૂટીનની આદત પડી જાય છે પરંતુ જો અચાનક કોઈ નવી વસ્તુ ખોરાકમાં આવી જાય તો શરીર એને પચાવી શકતું નથી.’