10 August, 2024 09:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જૉન એબ્રાહમ
જૉન એબ્રાહમ તેની આગામી ફિલ્મ ‘વેદા’ના ટ્રેલર-લૉન્ચ વખતે એક જર્નલિસ્ટના સવાલ પર ભડકી ગયો હતો અને તેને ઇડિયટ પણ કહ્યો હતો. હવે એ ઘટના પર ચોખવટ કરીને જૉન કહે છે કે તેને જાણીજોઈને મને ઉશ્કેરવા માટે લાવવામાં આવ્યો હતો. ૧૫ ઑગસ્ટે રિલીઝ થનારી ‘વેદા’ના ટ્રેલર-લૉન્ચની ઇવેન્ટ દરમ્યાન જર્નલિસ્ટે જૉનને કહ્યું કે તારી ફિલ્મોમાં કંઈ નવાપણું નથી હોતું. તો એનો જવાબ આપતાં જૉને કહ્યું કે પહેલી વાત તો એ કે તેં આ ફિલ્મ જોઈ? તો જર્નલિસ્ટે જવાબ આપ્યો કે ‘ના સર, મેં તો ટ્રેલર પરથી અંદાજ લગાવ્યો હતો.’ એથી જૉને તેને ઇડિયટ કહ્યો હતો.
બાદમાં જૉન કહે છે, ‘હું તમને સ્પષ્ટ કહેવા માગું છું કે મારા માટે આ ફિલ્મ હટકે છે. તમે આ ફિલ્મ નથી જોઈ. એથી હું સલાહ આપીશ કે પહેલાં તો આ ફિલ્મ જુઓ અને બાદમાં એને જજ કરો.’
હવે એ ઇવેન્ટ પર જૉન એબ્રાહમ કહે છે, ‘હું જાણું છું કે એ માણસને મને ભડકાવવા માટે અને મને ગુસ્સો અપાવવા માટે ત્યાં ઊભો કરવામાં આવ્યો હતો. હું એટલું કહીશ કે એમાં તેઓ જીતી ગયા અને હું હારી ગયો, કારણ કે મેં તેના પર ગુસ્સો કર્યો. મને ટ્રેલર-લૉન્ચ ઇવેન્ટ ગમતી જ નથી, કારણ કે વીસ વર્ષ જૂની વાતો જ પૂછવામાં આવે છે. એ જ જર્નલિસ્ટ્સ, એ જ સવાલો. કોઈ યોગ્ય સવાલ નથી પૂછતું. મને એવું લાગે છે કે ભારતમાં મનોરંજક જર્નલિઝમ ખતમ થઈ ગયું છે.’
જૉન એબ્રાહમ કહે છે, જે સ્ટાર્સ ફિટનેસની વાતો કરે છે તેઓ જ પાન-મસાલાની જાહેરાત કરીને મોત વેચે છે
જૉન એબ્રાહમે એ મોટા સ્ટાર્સની નિંદા કરી છે જે વાતો તો ફિટનેસની કરે છે, પરંતુ પાન-મસાલા જેવી ઍડને પ્રમોટ કરીને મોતને વેચે છે. જૉન પોતે સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે લોકોને પ્રેરિત કરે છે. પાન-મસાલાની ઍડ કદી નહીં કરે એ વિશે જૉન એબ્રાહમ કહે છે, ‘લોકો ફિટનેસની ચર્ચા કરે છે અને એ જ લોકો પાછા પાન-મસાલાને પ્રમોટ કરે છે. મને મારા તમામ ઍક્ટર ફ્રેન્ડ્સ પસંદ છે. હું કોઈનું અપમાન નથી કરવા માગતો. અહીં એક વાત સ્પષ્ટ કરવા માગું છું કે હું મારા વિશે વાત કરું છું. હું કદી પણ આવી રીતે મોતને વેચીશ નહીં, કારણ કે આ મારા આદર્શોની વાત છે. શું તમને ખબર છે પાન-મસાલા ઇન્ડસ્ટ્રીનું ટર્નઓવર ૪૫ હજાર કરોડ રૂપિયાનું છે? એનો અર્થ એ કે સરકાર પણ એને સપોર્ટ કરે છે અને એથી એ ગેરકાયદે નથી. તમે મોત વેચો છો.’