જૉન એબ્રાહમ ચમકશે ૧૯૭૧ના નાગરવાલા કૌભાંડ પરથી બની રહેલી ફિલ્મમાં

30 June, 2026 12:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મનું શૂટિંગ ૯ ઑક્ટોબરથી શરૂ થશે

જૉન એબ્રાહમ

હાલમાં જૉન એબ્રાહમ એવી ફિલ્મોને વધુ પ્રાધાન્ય આપી રહ્યો છે જે સત્ય ઘટનાઓ પર આધારિત હોય. જૉનની આગામી ફિલ્મ અંદાજે પંચાવન વર્ષ પહેલાં થયેલા એક મોટા બૅન્ક-કૌભાંડની વાર્તા રજૂ કરશે. ગયા વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ ડિપ્લોમૅટ’ બાદ દિગ્દર્શક શિવમ નાયરની અને અભિનેતા જૉન એબ્રાહમની જોડી ૧૯૭૧માં દિલ્હીમાં થયેલા નાગરવાલા કૌભાંડ પર આધારિત ફિલ્મ બનાવી રહી છે. આ ફિલ્મમાં જૉનની સાથે કે.કે. મેનન પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. અહેવાલો મુજબ ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર થઈ ચૂકી છે અને પ્રી-પ્રોડક્શનનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ ફિલ્મનું શૂટિંગ ૯ ઑક્ટોબરથી શરૂ થશે.

શું હશે ફિલ્મની વાર્તા?

૧૯૭૧માં બનેલું નાગરવાલા કૌભાંડ ભારતના ઇતિહાસની સૌથી રહસ્યમય નાણાકીય છેતરપિંડી છે. ૧૯૭૧ની ૨૪ મેએ નવી દિલ્હીની સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા (SBI)ના મુખ્ય કૅશિયર વેદપ્રકાશ મલ્હોત્રા પર એક ફોન આવ્યો હતો જેમાં વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીના અવાજની નકલ કરીને બંગલાદેશના એક ગુપ્ત મિશન માટે તાત્કાલિક ૬૦ લાખ રૂપિયા રોકડા આપવાનો આદેશ કરાયો હતો. કોઈ પણ પ્રકારના ચેક કે સત્તાવાર દસ્તાવેજ વગર, માત્ર ફોન-કૉલના આધારે કૅશિયરે આ મોટી રકમ વડા પ્રધાનના કુરિયર તરીકે ઓળખાવનાર વ્યક્તિને સોંપી દીધી હતી. જોકે બૅન્ક-અધિકારી જ્યારે રસીદ લેવા વડા પ્રધાન કાર્યાલય પહોંચ્યા ત્યારે છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો હતો.

આ પછી દિલ્હી પોલીસે ગણતરીના કલાકોમાં જ આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર અને ભૂતપૂર્વ આર્મી કૅપ્ટન રુસ્તમ સોહરાબ નાગરવાલાની ધરપકડ કરી લીધી હતી. આ કેસ જેટલી ઝડપથી ખૂલ્યો એટલો જ એ રહસ્યમય બની રહ્યો; કારણ કે નાગરવાલાને માત્ર ૧૦ મિનિટની કોર્ટ-ટ્રાયલમાં ૪ વર્ષની સજા ફટકારી દેવાઈ અને ૧૯૭૨માં જેલ-કસ્ટડી દરમ્યાન જ તેનું હૃદયરોગના હુમલાથી શંકાસ્પદ મોત થયું હતું. આ ઉપરાંત કેસની તપાસ કરી રહેલા પોલીસ-અધિકારી ડી. કે. પુરીનું પણ એક માર્ગ-અકસ્માતમાં મોત થતાં આ કૌભાંડ પાછળનું અસલી રહસ્ય અને રાજકીય કાવતરું ક્યારેય સત્તાવાર રીતે બહાર આવી શક્યું નહીં.

john abraham upcoming movie entertainment news bollywood bollywood news state bank of india