જુનિયર એનટીઆરના ઝપાટે ચડી ગયા ફૅન્સ

13 May, 2025 10:32 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

લંડનમાં યોજાયેલા RRRના સ્પેશ્યલ સ્ક્રીનિંગ વખતે બની હતી આ ઘટના

જુનિયર એનટીઆર

હાલમાં સાઉથના સુપરસ્ટાર જુનિયર એનટીઆરનો એક વિડિયો વાઇરલ થયો છે જેમાં તે પોતાના ફૅન્સ પર બહુ ગુસ્સે ભરાતો જોવા મળી રહ્યો છે. આ વિડિયો લંડનના એક કાર્યક્રમનો છે. રવિવારે લંડનના રૉયલ આલ્બર્ટ હૉલમાં ઍક્ટર રામ ચરણ અને ડિરેક્ટર એસ. એસ. રાજામૌલી સાથે જુનિયર એનટીઆરે ફિલ્મ ‘RRR’ના સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં જુનિયર એનટીઆરની એન્ટ્રી થતાંની સાથે જ તેના ચાહકો ખુશ થઈ ગયા અને ઍક્ટરને સેલ્ફી પડાવવાનો આગ્રહ કરવા માંડ્યા.

શરૂઆતમાં જુનિયર એનટીઆરે પોતાના ચાહકોને શાંતિ જાળવવા અને કાર્યક્રમમાં હાજર સુરક્ષા-ટીમને સહયોગ આપવા વિનંતી કરી હતી. વિનંતી કર્યા છતાં જ્યારે તેના ચાહકોએ હોબાળો મચાવ્યો ત્યારે જુનિયર એનટીઆર તેમના પર ગુસ્સે થયો હતો અને કહેતો જોવા મળ્યો કે ‘હું તમારી સાથે સેલ્ફી પડાવીશ, પણ તમારે રાહ જોવી પડશે. જો તમે આવું વર્તન કરશો તો સિક્યૉરિટી તમને બહાર ફેંકી દેશે.’

આ પહેલાં પણ જુનિયર એનટીઆર ઍરપોર્ટ પર તેની સાથે સેલ્ફી લેવા આવેલા ફૅન્સને અવગણીને તેમને ધક્કો મારીને આગળ નીકળી જવાને કારણે સોશ્યલ મીડિયામાં ટ્રોલ થયો હતો.

jr ntr london united kingdom bollywood bollywood news bollywood buzz RRR entertainment news social media viral videos